કેનેડાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું! થશે કડક કાર્યવાહી

ઓટાવા: અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની ગેંગના કેટલાક સભ્યો વિદેશમાં રહીને ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. આ ગેંગની સામે ભારતમાં તો કાર્યવાહી થઇ જ રહી છે, એવામાં કેનેડા સરકારે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે કડક નિર્ણય લીધો છે. કેનેડા સરકારે બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
અહેવાલ મુજબ કેનેડાના જાહેર સલામતી પ્રધાન ગેરી આનંદસંગરીએ સોમવારે બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવા અંગે સુચના આપી હતી. બિશ્નોઈ ગેંગ પર કેનેડામાં એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને ધમકી આપવાનો અને ડરનું વાતાવરણ ઉભું કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં એનઆઈએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત અન્ય ગેંગો પર કાર્યવાહી કરી
અહેવાલ અનુસાર, કેનેડિયન ક્રિમિનલ કોડ હેઠળ બિશ્નોઈ ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે કેનેડામાં બિશ્નોઈ ગેંગની માલિકીની કોઈપણ મિલકત, વાહન અથવા નાણા ફ્રીઝ અથવા જપ્ત કરી શકાશે. આ નિર્ણયથી કેનેડિયન લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને બિશ્નોઈ ગેંગ સામે આતંકવાદી વિરોધી કાયદાઓ હેઠળ કાર્યવાહી ચલાવવા માટે વધુ સત્તા મળશે.
કેનેડામાં બિશ્નોઈ ગેંગની કાર્યવાહી:
એક પ્રેસ રિલીઝમાં કેનેડા સરકારે માહિતી આપતા જણાવ્યું કે બિશ્નોઈ ગેંગ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન છે. આ ગેંગ મુખ્યત્વે ભારતમાંથી કાર્યરત છે. કેનેડામાં, બિશ્નોઈ ગેંગ મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ વાળા વિસ્તારોમાં સક્રિય છે. બિશ્નોઈ ગેંગ હત્યા, ગોળીબાર અને આગચંપી જેવા ગુના આચરે છે, અને ખંડણી અને ધાકધમકી દ્વારા આતંક ફેલાવે છે. બિશ્નોઈ ગેંગ અગ્રણી સમુદાયના સભ્યો, વ્યવસાયો અને સાંસ્કૃતિક વ્યક્તિઓને નિશાન બનાવે છે, જેનાથી અસુરક્ષાનું વાતાવરણ ઉભું થાય છે.