લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે પ્રચાર પડઘમ થશે શાંત, આ દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું પ્રચાર અભિયાન આજે સાંજે પાંચ વાગ્યે થંભી જશે, લોકસભા ચૂંટણી હેઠળ છેલ્લા ચાર તબક્કામાં 380 બેઠકો પર મતદાન થયું છે અને 5માં તબક્કા હેઠળ 20 મે, સોમવારના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે. આ રાજ્યોમાંથી 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
લોકસભા ચૂંટણીની આ 49 સીટોમાં અનેક હાઈ પ્રોફાઈલ સીટો છે, 8 રાજ્યોની સીટો પર થનારી ચૂંટણીમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે. આ રાજ્યની 14 લોકસભા સીટો પર મતદાન થશે, આ 14 લોકસભા સીટો પર કુલ 144 ઉમેદવારો મેદાને છે, જ્યારે 13 સીટો મહારાષ્ટ્રની પણ છે, આ સાથે જ મહારાષ્ટ્રમાં મતદાન સમાપ્ત થઈ જશે.
આ પણ વાંચો : શિવાજીપાર્કની સભામાં મોટી ગડબડ થશે… એક ફોન આવ્યો અને આખું તંત્ર દોડતું થઈ ગયું…
ઉલ્લેખનિય છે કે, પાંચમા તબક્કામાં બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓરિસ્સાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક પર મતદાન થશે. આ બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 613 પુરુષ અને 82 મહિલાએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.
આ 5માં તબક્કામાં ઘણા હાઈપ્રોફાઈલ નામો જેમ કે રાજનાથ સિંહઃ ઉત્તર પ્રદેશની લખનઉ લોકસભા બેઠક, રાહુલ ગાંધીઃ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક, ઓમર અબ્દુલ્લાઃ કાશ્મીરની બારામુલા બેઠક, સ્મૃતિ ઈરાનીઃ ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક, સાધ્વી નિરંજન જ્યોતિઃ રાજ્યની ઉત્તર ફતેહપુર લોકસભા બેઠક, ચિરાગ પાસવાનઃ બિહારની હાજીપુર લોકસભા બેઠક, પીયૂષ ગોયલઃ મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે.