નેશનલ

મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણઃ 28 મંત્રીઓએ શપથ લીધા, 12 મંત્રીઓ OBC કેટેગરીના

ભોપાલ: મધ્ય પ્રદેશમાં આજે નવા મંત્રીઓએ શપથ લઇ લીધા છે. આજે મધ્ય પ્રદેશના મોહન યાદવ પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં કૈલાશ વિજયવર્ગીય સહિત ઘણા વિધાન સભ્યોએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. મોહન યાદવ ઉપરાંત પ્રધાન મંડળમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા એમ બે નાયબ મુખ્ય પ્રધાન છે.

આજે શપથ ગ્રહણ કરનારા 28 પ્રધાનોમાં 18 કેબિનેટ પ્રધાન, 4 રાજ્ય મંત્રી અને 6 સ્વતંત્ર કાર્યભાર ધરાવતા 6 રાજ્ય મંત્રી છે. કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ પટેલ ઉપરાંત વિજય શાહ, કરન સિંહ વર્મા, રાકેશ સિંહ અને ઉદય પ્રતાપે મોહન યાદવની આગેવાનીવાળી રાજ્ય સરકારમાં પ્રધાન પદના શપથ લીધા હતા.

આ ઉપરાંત સંપતિયા ઉઇકે, તુલસીરામ સિલાવટ, એદાલ સિંહ કસાના, ગોવિંદ સિંહ રાજપૂત અને વિશ્વાસ સારંગે પણ એમપી સરકારના મંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. એ ઉપરાંત નિર્મલ ભૂરિયા, નારાયણ સિંહ કુશવાહ, નાગર સિંહ ચૌહાણ અને પ્રદ્યુમન સિંહ તોમરે પણ મંત્રી પદના શપથ લીધા હતા. મધ્યપ્રદેશમાં મુખ્ય પ્રધાન સહિત મંત્રીમંડળના સભ્યોની મહત્તમ સંખ્યા 35 હોઈ શકે છે.

સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જંગી જીત હાંસલ કર્યા પછી, અમારી ડબલ એન્જિન સરકાર પીએમ મોદી અને જેપી નડ્ડા તથા ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે.’
નોંધનીય છે કે ગયા મહિને યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 163 અને કોંગ્રેસે 66 બેઠકો પર જીત મેળવી હતી. યાદવ ઉપરાંત રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાએ 13 ડિસેમ્બરે નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button