આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: બસ ખીણમાં ખાબકી, 10 લોકોના મોત

અમરાવતી: ગત મોડી રાત્રે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, એક ખાનગી ટ્રાવેલ ઓપરેટરની બસ એક ખીણમાં ખાબકી હતી, આ અકસ્માતમાં 10 લોકોન મોત થયા હોવાના અહેવાલ છે.
અહેવાલ મુજબ બસ તેલંગાણાના ભદ્રાચલમથી આધ્ર પ્રદેશના અન્નવરમ જઈ રહી હતી, બસમાં 37 મુસાફરો સવાર હતાં. ચિત્તૂર-મર્દુમલ્લી ઘાટ રોડ પર બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં, જ્યારે ઘણા મુસફરો ઘાયલ છે.
અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ, ફાયર સર્વિસ અને રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ઘાયલોને સ્ટ્રેચર અને દોરડા વડે કરીને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હટાના અને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હાલ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
મૃત્યુઆંક વધી શકે છે:
જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી મુજબ 10 લોકોના મોત થયાના અહેવાલ છે. વહીવટીતંત્ર બચાવ કામગીરી કરી રહ્યું છે. ઈજાગ્રસ્ત મુસાફરોને ભદ્રાચલમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધી શકે છે.
મુખ્ય પ્રધાને દુખ વ્યકત કર્યું:
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ ગમખ્વાર બસ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યું છે. તેમને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને તમામ શક્ય મદદ તાત્કાલિક પહોંચાડવા નિર્દેશ આપ્યા છે.
અધિકારીઓએ મુખ્ય પ્રધાનને રેસ્ક્યુ ઓપરેશન અંગે, બસમાં મુસાફરોની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ ઘાયલોની સ્થિતિ વિશે માહિતી આપી છે.
આ પણ વાંચો…ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 3નાં મોત…



