Budget: નાણાં પ્રધાન ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરીને નોંધાવશે આ રેકોર્ડ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર અંતિમ બજેટ રજૂ કરશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ પહેલી ફેબ્રુઆરી, 2024ના રોજ સંસદમાં સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ દેશના બીજા નાણા પ્રધાન હશે, જે સતત 5 સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરવાનો વિક્રમ નોંધાવશે. અત્યાર સુધી આ સિદ્ધિ પૂર્વ નાણા પ્રધાન (વડા પ્રધાન) મોરારજી દેસાઈના નામે નોંધાયેલી છે.
નાણાપ્રધાન નિર્મલા સિતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરશે. વચગાળાના બજેટની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024 પણ પેપરલેસ હશે. બજેટ દસ્તાવેજો પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં નાણા પ્રધાનનું બજેટ ભાષણ પૂરું થયા બાદ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે.
પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024 ની રજૂઆત સાથે સિતારમણ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ નાણાં પ્રધાનો અરુણ જેટલી, પી. ચિદમ્બરમ અને યશવંત સિંહાના રેકોર્ડને પાછળ છોડી દેશે. આ તમામ નેતાઓએ સતત પાંચ બજેટ રજૂ કર્યા હતા. નાણાં પ્રધાન તરીકે મોરારજી દેસાઈએ 1959-1964 વચ્ચે પાંચ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
2014માં સત્તામાં આવ્યા પછી મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં, અરુણ જેટલીએ નાણા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને નાણાકીય વર્ષ 2014-15 થી નાણાકીય વર્ષ 2018-19 સુધી સતત પાંચ બજેટ રજૂ કર્યા. નાણાકીય વર્ષ 2017-18માં જેટલીએ રેલ્વે અને સામાન્ય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસને બદલે 1 ફેબ્રુઆરીએ એકસાથે રજૂ કર્યું હતું. આ સાથે, સરકારે 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની સંસ્થાનવાદી યુગની પરંપરાનો the એન્ડ કર્યો હતો.
સિતારમણ પહેલી ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જે એકાઉન્ટ પર મતદાન થશે. આનાથી કેન્દ્ર સરકારને એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ બાદ નવી સરકાર આવે ત્યાં સુધી અમુક વસ્તુઓ પર ખર્ચ કરવાનો અધિકાર મળશે. વાસ્તવમાં આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં નાણા પ્રધાનના વચગાળાના બજેટમાં કોઈ મોટા નીતિગત ફેરફારની કોઈ શક્યતા નથી.