બજેટ સારા વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરે છે: વડા પ્રધાન મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય બજેટને સમાજના દરેક વર્ગના લોકો માટે લેવામાં આવેલા પગલાંને બિરદાવતાં જણાવ્યું આ બજેટ દેશના સારા વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરે છે.
આ બજેટ દેશને વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માટે સહાયક બનશે અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવાનું કામ કરશે.
બજેટમાં યુવાનો, પછાત વર્ગો, મહિલાઓ અને મધ્યમ વર્ગના લોકો અને તેની સાથે જ ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર જે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેની પ્રશંસા કરતાં ભારપૂર્વક કહ્યું હતું કે પ્રસ્તાવિત રોજગારલક્ષી પ્રોત્સાહન યોજનાને કારણે દેશમાં કરોડો નવા રોજગારનું નિર્માણ થશે. આ દુરદર્શી બજેટ સમાજના દરેક વર્ગનું ઉત્થાન કરશે અને સમાજના દરેક વર્ગને સક્ષમ બનાવશે. બધા માટે ઉજ્જવળ ભવિષ્યના રસ્તા ખોલી નાખશે, એમ તેમમે કહ્યું હતું.
મુદ્રા લોન યોજના હેઠળ કો-લેટરલ વગરની લોનની રકમ રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી તેનાથી નાના વેપારી, દલિતો, મહિલા, પછાત અને વંચિત વર્ગના લોકોને ઘણો ફાયદો થશે એમ પણ તેમણે કહ્યું હતું.
બજેટના પૂર્વોદય વિઝનને કારણે દેશના પૂર્વી ભાગને નવી ગતિ અને ઊર્જા મળશે, એમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: દેશના વિકાસ માટે નહીં, મોદી સરકાર બચાવો બજેટ: ખડગે
નિતિશ કુમારે બજેટને વધાવ્યું: બિહારની ચિંતાઓ દૂર કરી
પટના: બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે મંગળવારે બજેટને વધાવતાં કહ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી વિશેષ સહાયને કારમે રાજ્યની ચિંતાઓને દૂર કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે નિતિશ કુમારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી હતી.
એનડીએના ઘટકપક્ષના નેતા નિતિશ કુમારે કહ્યું હતું કે અમે બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી હતી અને જો તે કોઈ કારણોસર શક્ય ન હોય તો વિશેષ મદદ જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી અને આ બજેટમાં તે માગણીને સંતોષવામાં આવી છે.
રાજ્યના વિપક્ષ આરજેડી-કૉંગ્રેસ-ડાબેરી ગઠબંધનની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે જે લોકો બૂમો પાડી રહ્યા છે તેઓ કેન્દ્રમાં સત્તામાં સાથે રહી ચૂક્યા છે અને ત્યારે બિહારને તેનો હિસ્સો મળ્યો નહોતો. જે વિકાસ જોવા મળી રહ્યો છે તે અમે રાજ્યમાં 2005થી સત્તામાં આવ્યા બાદ કરેલા સતત પ્રયાસોનું પરિણામ છે. પટના જેવા શહેરોમાં તે સમયે એવી સ્થિતિ હતી કે લોકો અંધારું થયા પછી ઘરની બહાર નીકળતા ડરતા હતા. (પીટીઆઈ)
રોજગાર અને તકોની નવી દિશાઓ ખુલશે: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે બજેટ 2024-25માં રોજગાર અને તકો ઉપલબ્ધ થવાનથી દેશને વિકસિત કરવા તરફ લઈ જવા તરફ આગળ વધશે.
તેમણે કહ્યું હતું કે બજેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના એન્ટ્રેપ્રેન્યુરિયલ ક્ષમતાને વધારવાના અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ દ્વારા અર્થતંત્રને આગળ લઈ જવાની અતુટ પ્રતિબદ્ધતા દેખાઈ આવે છે.
આ બજેટ ટેક્સ આકારણીના નિયમોને હળવા કરીને ટેક્સપેયરને રાહત આપે છે. આ બજેટમાં એનડીએનીૂ સરકારમાં જે હેતુ, ભરોસો અને આશાવાદની દેશમાં નવી ભાવના જાગી છે તેનો દાખલો જ નથી આપ્યો, પરંતુ તેને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવ્યું છે, એમ શાહે કહ્યું હતું.
રોજગાર અને તકોની નવી દિશાઓ ખોલીને ભારતના યુવાનો, નારી શક્તિ અને ખેડૂતોની શક્તિનો ઉપયોગ કરીને દેશને વિકસિત રાજ્યની દિશામાં લઈ જવાના પ્રયાસોને આ બજેટથી ઈંધણ મળ્યું છે, એમ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું.