ટોપ ન્યૂઝનેશનલ

‘જાહેરાત માટે બજેટ છે, મહત્ત્વના કામ માટે નથી…’, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી

નવી દિલ્હી: દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. દિલ્હી સરકારે રેપિડ રેલ પ્રોજેક્ટ માટે ફંડ ન આપવાથી સુપ્રીમ કોર્ટ નારાજ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર એક અઠવાડિયાની અંદર 415 કરોડ રૂપિયા આપે અને જો તે નહીં આપવામાં આવે તો દિલ્હી સરકારના જાહેરાત બજેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે અને જાહેરાત બજેટ માંથી ફંડ આપવામાં આવશે. કોર્ટે કહ્યું છે કે તમારું 3 વર્ષનું એડવર્ટાઇઝિંગ બજેટ 1100 કરોડ રૂપિયા છે, પરંતુ મહત્વપૂર્ણ કામ માટે પૈસા નથી. આ મામલામાં આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે.

દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે તમારી તરફથી ચૂકવણીની ખાતરી આપવામાં આવી હતી. અમે ચેતવણી આપીએ છીએ કે જો ચુકવણી કરવામાં નહીં આવે, તો તમારું જાહેરાત બજેટ જપ્ત કરવામાં આવશે. અમે હવે તેને જપ્ત કરવાનો આદેશ આપી રહ્યા છીએ, આ ઓર્ડર માત્ર 1 અઠવાડિયા માટે મુલતવી રહેશે આવશે. જો તમે ત્યાં સુધી પગલાં નહીં ભરો તો આદેશનો અમલ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણ રોકવા માટે પણ પ્રોજેક્ટ જરૂરી છે. દિલ્હી સરકારનું છેલ્લા ત્રણ વર્ષનું જાહેરાત બજેટ 1100 કરોડ રૂપિયા હતું, જ્યારે આ વર્ષનું બજેટ 550 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 24 જુલાઈએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો દિલ્હી સરકાર ત્રણ વર્ષમાં જાહેરાત માટે 1100 કરોડ રૂપિયા ફાળવી શકે છે, તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પણ ભંડોળ જરૂરી છે. જો કે સુપ્રીમ કોર્ટની ચેતવણી બાદ દિલ્હી સરકાર બે મહિનામાં 415 કરોડ રૂપિયાની લેણી રકમ ચૂકવવા માટે તૈયાર થઈ ગઈ હતી, પરંતુ આ આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતું.

કેન્દ્ર સરકાર દિલ્હીને રેપીડ રેલ નેટવર્કના માધ્યમથી આસપાસના રાજ્યોના મોટા શહેરો સાથે જોડવા માંગે છે. આ અંતર્ગત હાલ કુલ 3 આરઆરટીએસ પ્રોજેક્ટ છે. જેમાંથી પહેલો પ્રોજેક્ટ દિલ્હી-મેરઠ વચ્ચે, બીજો દિલ્હી-અલવર વચ્ચે અને ત્રીજો દિલ્હી-પાનીપત વચ્ચેનો છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા દિલ્હીને યુપી, રાજસ્થાન અને હરિયાણા સાથે જોડવામાં આવશે.

દિલ્હી સરકાર પર આ વર્ષે દિલ્હી-મેરઠ, દિલ્હી-અલવર અને દિલ્હી-પાનીપત RRTS માટે રૂ. 565 કરોડનું દેવું છે. જયારે દિલ્હી સરકારનું આ વર્ષનું એડવર્ટાઈઝિંગ બજેટ 550 કરોડ રૂપિયા છે. આ જ કારણ છે કે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જાહેરાતનું બજેટ જપ્ત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button