સોશિયલ મીડિયા પર ‘બોયકોટ માલદીવ્સ’ ટ્રેન્ડ શરુ, યૂઝર્સે શું કહ્યું જાણો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતના કારણે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુની પાર્ટીના નેતાઓ નારાજ થઈ ગયા છે અને સોશિયલ મિડીયા પર ભારતને નિશાન બનાવીને અલગ અલગ પોસ્ટ કરી રહ્યા છે. તેમણે પોસ્ટમાં ત્યાં સુધી કહી દીધું કે લક્ષદ્વીપ અમારા જેવી સુવિધા ક્યારેય નહિ આપી શકે તમે કોઈ ભ્રમમાં ના રહેતા…આ પોસ્ટ જોઈને ભારતના લોકો હવે માલદીવની તેમની ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે અને લક્ષદ્વીપ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
માલદીવના નેતાઓ દ્વારા ભારતને લઈને કરવામાં આવેલી પોસ્ટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે માલદીવનો પ્રવાસ કેન્સલ કરવાની વાત કરી છે. તેમજ બોયકોટ માલદીવ્સનો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે. એક યુઝરે માલદીવની પોતાની ટ્રીપ કેન્સલ કરવાની માહિતી આપતા લખ્યું હતું કે હું મારા જન્મદિવસ માટે માલદીવ જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, જે 2 ફેબ્રુઆરીએ આવે છે. ટ્રાવેલ એજન્ટ સાથે ડીલ પણ થઈ ગઈ હતી. પરંતુ માલદીવના ડેપ્યુટી મિનિસ્ટરનું ટ્વીટ જોયા બાદ તેને તરત જ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
ત્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે સોરી માલદીવ, મારી પાસે મારું પોતાનું લક્ષદ્વીપ છે. હું આત્મનિર્ભર છું..
તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે માલદીવમાં ત્રણ અઠવાડિયા રહેવા માટે 5 લાખ રૂપિયાનું બુકિંગ કરાવ્યું હતું. પરંતુ માલદીવના પ્રધાનોઓની ટિપ્પણી બાદ આ બુકિંગ રદ કરવામાં આવ્યું છે.
માલદીવના મંત્રી અબ્દુલ્લા મહઝૂમ માજિદે પોસ્ટમાં લખ્યું હતું કે ભારતને પ્રવાસન ક્ષેત્રે માલદીવ સાથે સ્પર્ધામાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને લક્ષદ્વીપ આવવાની અપીલ કરી હતી. પીએમએ તેમની મુલાકાતની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. અને આ લક્ષદ્વીપની તસવીરો જોઈને માલદીવના નેતાઓની તીખી પ્રતિક્રિયા આપી હતી જેના કારણે લોકોએ બોયકોટ માલદીવનો ટ્રેન્ડ શરૂ કરી દીધો હતો.