વર્ચસ્વની લડાઈ! સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને દિલ્હીમાં, અલગ અલગ બેઠકોમાં ભાગ લીધો

નવી દિલ્હી: કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં છેલ્લા ઘણાં સમયથી વર્ચસ્વ માટે લડાઈ ચાલી રહી હોવાની ચર્ચા થતી રહે છે, અહેવાલ મુજબ નાયબ મુખ્ય પ્રધાન શિવકુમાર સિદ્ધારમૈયાને હટાવીને મુખ્ય પ્રધાન બનવા ઈચ્છે છે. જયારે સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું છે, કે તેઓ આ ટર્મ પૂરી કરશે. એવામાં ફરી કર્ણાટક કોંગ્રેસ ચર્ચામાં છે. શનિવારે સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને દિલ્હીમાં હતાં, બંનેએ અલગ-અલગ બેઠકોમાં હાજરી આપી, જેને કારણે રાજકીય ગરમી વધી રહી છે.
છેલ્લા ઘણાં દિવસથી અહેવાલ હતાં કે કર્ણાટક સરકારના કેબિનેટમાં ફેરબદલ થઇ શકે છે. અહેવાલ મુજબ , વિધાનસભાના સત્ર પહેલા સિદ્ધારમૈયા કેબિનેટમાં ફેરફાર ઇચ્છે છે, પરંતુ ડીકે શિવકુમાર તેમની સાથે સહમત નથી. હાઈકમાન્ડ હાલ કોઈ ફેરફાર કરવા ઇચ્છતું નથી, અગામી વર્ષના શરૂઆતમાં કોઈ ફેરફાર કરવામાં આવી શકે છે.
શનિવારે સિદ્ધારમૈયા દિલ્હીમાં હતાં, તેઓ રાહુલ ગાંધીને મળ્યા. આ બેઠક દરમિયાન જાતિ વસ્તી ગણતરી અને ગેરંટી યોજનાઓ પર ચર્ચા થઇ હતી. રાહુલે તેમને કોંગ્રેસ પ્રમુખ ખડગે સાથે આગળની ચર્ચા કરવા સલાહ આપી. જો કે સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું કે કેબિનેટમાં ફેરફાર અંગે કોઈ ચર્ચા થઈ નથી.
મોડી રાત્રે તેઓ બેંગલુરુ પહોંચ્યા હતાં., તેઓ સોમવારે ફરી દિલ્હી જશે, વડાપ્રધાન વડાપ્રધાન મોદીને મળશે.
ડીકે શિવકુમાર પણ દિલ્હીમાં:
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારપણ શનિવારે દિલ્હીમાં હતાં, ત્યાંથી તેઓ હૈદરાબાદ જવાના હતા, પરંતુ તેમણે તેમનો પ્રવાસ રદ કર્યો. તેમણે રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે, તેઓ સોમવારે સાંજે બેંગલુરુ પાછા ફરશે.
કેબીનેટમાં સંભવિત ફેરફાર અંગે ડીકે શિવકુમારે કહ્યું, “મને કેબિનેટ વિસ્તરણ કે નેતૃત્વમાં ફેરફાર અંગે કંઈ ખબર નથી. જો તમને કોઈ પ્રશ્નો હોય, તો મુખ્યપ્રધાનને પૂછો. કોઈ રાજ્યના મુખ્ય પ્રધાનની વડા પ્રધાન કે ગૃહ પ્રધાન સાથે મુલાકાત સામાન્ય બાબત છે. તેમાં શું વાંધો છે?”
આપણ વાંચો: બિહારમાં નવી સરકારની રચનાની કવાયત શરુ, નીતિશ કુમાર રાજીનામું આપશે



