શમશાબાદ એરપોર્ટથી અમેરિકા જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઇ-એલર્ટ પર

નવી દિલ્હી: તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટના અધિકારીઓને એક શંકાસ્પદ ઈ-મેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા જતી ફ્લાઇટ્સમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ટેક-ઓફ (Take-off) ના 10 મિનિટ પછી તેમાં વિસ્ફોટ થશે. આ ધમકી મળતાની સાથે જ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ધમકીભર્યો ઈ-મેલ અમેરિકાના ન્યૂયોર્ક શહેરથી મોકલવામાં આવ્યો છે અને મોકલનારની આઈડી જેસ્પર પાકાર્ટ (Jasper Packard) ના નામે છે. ઈ-મેલ મોકલનાર વ્યક્તિએ એક મિલિયન ડોલર (One Million Dollars) ની માતબર રકમની ખંડણી (Ransom) ની માગણી કરી હતી અને ધમકી આપી હતી કે જો આ રકમ નહીં આપવામાં આવે તો બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આ ગંભીર ધમકી મળતાની સાથે જ એરપોર્ટ પર તૈનાત તમામ સુરક્ષા એજન્સીઓ તુરંત એલર્ટ મોડ માં આવી ગઈ હતી.
સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ પર તાત્કાલિક મોટા પાયે શર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટર્મિનલ, રનવે, બૅગેજ એરિયા અને એરસાઇડ ઝોન સહિત દરેક વિસ્તારમાં ઝીણવટભરી તલાશી લેવામાં આવી રહી છે. સીઆઈએસએફ (CISF), રાજ્ય પોલીસ (State Police) અને અન્ય સુરક્ષા એકમો (Security Units) સંયુક્ત રીતે આ સંભવિત ખતરાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. જો કે અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
જોકે, બોમ્બની ધમકી મળી હોવા છતાં, એરપોર્ટનું સંચાલન હાલમાં ચાલુ રાખવામાં આવ્યું છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થાને પરાકાષ્ઠા પર વધારી દેવામાં આવી છે. એરપોર્ટ અધિકારીઓ આ ઈ-મેલની વાસ્તવિકતા (Authenticity) ચકાસવા માટે તેની ટેકનિકલ તપાસ કરી રહ્યા છે. તેઓ ઈ-મેલનું આઈપી ટ્રેકિંગ (IP Tracking) કરી રહ્યા છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિનું લોકેશન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરીને ધમકી આપનાર વ્યક્તિને પકડી શકાય અને આખા ઘટનાક્રમની સત્યતા જાણી શકાય.
આપણ વાંચો: બંગાળમાં બાબરીનો પાયો નાખનાર હુમાયું સાથે ઓવૈસી નહિ કરે ગઠબંધન, AIMIM કેમ કર્યો ઇનકાર?



