દિલ્હીમાં ત્રણ કોર્ટ અને બે શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, કાર્યવાહી ખોરવાઈ

નવી દિલ્હી: 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ એજન્સીઓ તાપસમાં વ્યસ્ત છે, દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાલ હાઈ એલર્ટ પર છે. એવામાં આજે મંગળવારે દિલ્હીમાં સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટ અને તીસ હજારી કોર્ટના કેમ્પસમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળતા ખળભળાટ મચી ગયો છે.
ધમકી ભરેલો ઇમેઇલ મળ્યા બાદ પરિસરો ખાલી કરાવવામાં આવ્યા હતાં. ન્યાયધીશો, વકીલો, કોર્ટ કર્મચારીઓ અને અન્ય લોકો બહાર દોડી આવ્યા હતાં, જેને કારણે કોર્ટમાં સુનાવણીની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
અહેવાલ મુજબ દિલ્હીના દ્વારકા અને પ્રશાંત વિહારમાં આવેલી બે CRPF શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી, શાળાને ખાલી કરાવવામાં આવી હતી. તાપસ બાદ એક પણ જગ્યાએ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી, જાણવા મળ્યું કે ઇમેઇલ્સ ફેક હતાં, ધમકીઓ પોકળ સાબિત થઇ.
સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સચિવે નોટિસ જાહેર કરીને સુરક્ષાના કારણોસર કોર્ટની કાર્યવાહી બે કલાક માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે. નોટીસમાં લોકોને શાંત રહેવા, સહયોગ કરવા અને ભીડભાડ ના કરવા વિનંતી કરવામાં આવી.
નોંધનીય છે કે ગઈ કાલે પકડાયેલા આરોપી જસીર બિલાલ વાનીને આજે આજે મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવાનો છે, એ પહેલા કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટનો ધમકી મળી હતી.
નવી દિલ્હી બાર એસોસિએશનના જણાવ્યા મુજબ જિલ્લા કોર્ટ સંકુલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી સાથેના ઈમેઈલ મળ્યા હતાં. બાદમાં ધમકીઓ પોકળ સાબિત થઇ હતી, ડરવાનું કોઈ કારણ નથી. કોર્ટમાં કાર્ય ફરી શરુ કરવામાં આવ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે મંગળવારે વહેલી સવારે અલ-ફલાહ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓની ઓફીસ પર દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો…મુંબઈના BSE ટાવર અને દિલ્હીની શાળા-કલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; ઈમેઈલ મળતા ખળભળાટ



