દિલ્હીમાં BMW ચાલક મહિલાએ બાઈકને ટક્કર મારી: નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું મોત

નવી દિલ્હી: ગઈ કાલે રવિવારે બપોરે દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશન નજીક રિંગ રોડ પર એક પુરપાટ વેગે દોડી રહેલી BMW કારે મોટરસાઇકલને ટક્કર મારીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ કસ્માતમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી નવજોત સિંહનું મૃત્યુ નીપજ્યું અને તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અહેવાલ મુજબ BMW કાર એક મહિલા ચલાવી રહી હતી, તેને પણ ઈજા પહોંચી છે.
અહેવાલ મુજબ 52 વર્ષીય નવજોત સિંહ મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી હતા. તેઓ દિલ્હીના હરિ નગરમાં રહેતા હતા. તેઓ બાંગ્લા સાહિબ ગુરુદ્વારાથી બાઇક પર પત્ની સાથે સવાર થઇને ઘરે પરત ફરી રહ્યા હતાં, ત્યારે રીંગરોડ પર BMW કાર ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજા પહોંચતા નવજોત સિંહનું મૃત્યુ નીપજ્યું અને તેમની સંદીપ કૌર ગંભીર રીતે ઘાયલ થઈ છે, જનો ઈલાજ ચાલી રહ્યો છે.
કાર ચાલક મહિલાની ઓળખ ગગનપ્રીત તરીકે થઇ છે, અકસ્માત સમયે તેનો પતિ પરીક્ષિત તેની પાસે પેસેન્જર સીટ પર બેઠો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કાર ચાલક મહિલા અને તેનો પતિ ટેક્સી દ્વારા બંને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
દીકરાએ લગાવ્યા ગંભીર આરોપ:
નવજોત સિંહના દીકરાએ બેદરકારીના આરોપ લગાવ્યા છે, તેણે કહ્યું કે તેના ઘયાલ માતાપિતાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે અકસ્માત સ્થળથી લગભગ 17 કિલોમીટર દૂર આવેલી જીટીબી નગરમાં આવેલી નુલાઈફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોત તો તેના પિતા જીવ બચી શક્યો હોત. હોસ્પિટલ મહિલા માટે નકલી મેડિકલ-લીગલ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મદદ કરી રહી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત મામલે FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસહાથ ધરવામાં આવી છે. BMW કાર અને મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે.
આપણ વાંચો: NPCIના નવા નિયમો આજથી લાગુ, UPIથી સરળતાથી કરી શકશો મોટા ટ્રાન્ઝેક્શન…