નવી દિલ્હી: હિન્દી હાર્ટલેન્ડની ચૂંટણીઓમાં ઝળહળતી જીતથી ઉત્સાહિત ભાજપ લોકસભા ચૂંટણી માટે કમર કસી રહ્યું છે. અમુક મીડિયા અહેવાલો મુજબ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થાય એ પછી એટલે કે જાન્યુઆરીના અંતમાં ભાજપ લોકસભાના ઉમેદવારો માટેની તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા અમુક ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું હતું, આ એક હોશિયારીભર્યું પગલું પણ સાબિત થયું હતું કેમકે એનાથી ભાજપને 2 ફાયદા થાય, એક તો વિધાનસભાની ચૂંટણીમાં જીત પણ મળે અને ઉમેદવારોને પ્રચાર માટે વધુ સમય પણ મળી રહે. કદાચ ત્રણેય રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીત પાછળ આ પણ એક કારણ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીઓ માટે ભાજપે નવો નારો પણ આપી દીધો છે, “સપને નહિ હકીકત બુનતે હૈ, ઇસલિયે તો સબ મોદી કો ચુનતે હૈ!”
દિલ્હીમાં આજથી ભાજપના અધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સંબોધિત કરશે, જેમાં રાષ્ટ્રીય અધિકારી, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને સંગઠનના પ્રદેશ મહામંત્રી હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના તમામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષો પણ હાજરી આપશે. આ બેઠકમાં અનેક મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. વિકાસ ભારત સંકલ્પ અભિયાન અને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને સમીક્ષા એ મુખ્ય મુદ્દો છે.
બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ, વિસ્તરણ યોજના, કોલ સેન્ટર અને મોરચાની પ્રવૃત્તિઓ પર પણ ચર્ચા થશે. પાર્ટી ત્રણ રાજ્યોમાં બમ્પર જીતનો ઉત્સાહ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી સુધી જાળવી રાખવા માંગે છે. આ માટે ભાજપ રામ મંદિર સંબંધિત કાર્યક્રમો સહિત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરીને કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારવા માંગે છે.