હિમાચલની પેટાચૂંટણીમાં ભાજપનો મોટો દાવ, કોંગ્રેસના 6 બળવાખોરોને ટિકિટ આપી
હિમાચલ પ્રદેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે ભૂતપૂર્વ કોંગ્રેસના તમામ 6 બળવાખોર અને ગેરલાયક ઠેરવાયેલા વિધાન સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. પક્ષના વ્હીપની અવગણના કરવા બદલ કૉંગ્રેસે તેના છ વિધાનસભ્યોને 29 ફેબ્રુઆરીએ ગેરલાયક ઠેરવ્યા હતા.
કોંગ્રેસના આ છ ભૂતપૂર્વ વિધાન સભ્ય, ત્રણ અપક્ષ ઉમેદવાર સાથે શનિવારે નવી દિલ્હીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે પૂર્વ મંત્રી રામ લાલ માર્કંડા અને વીરેન્દ્ર કંવરની ટિકિટ રદ્દ કરી દીધી છે. ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યો – સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દેવિન્દર કુમાર ભુટ્ટો – કેન્દ્રીય પ્રધાન અને હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર, જનરલ સેક્રેટરી અરુણ સિંહ અને રાજ્ય એકમના પ્રમુખ રાજીવ બિંદલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
આપણ વાંચો: હિમાચલ પ્રદેશમાં આંતરિક કલહ શાંત કરવા કોંગ્રેસ પ્રમુખ ખડગેને સોંપાઈ સીક્રેટ રિપોર્ટ, જાણો વિગત
હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે ધર્મશાલા, સુજાનારપુર, કુટલેહાર, લાહૌલ સ્પીતિ, ગાગ્રેટ અને બાદસર એમ છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વિધાનસભા બેઠકો પર 1 જૂને મતદાન થશે. આ જ દિવસે હિમાચલની ચાર લોકસભા બેઠકો પર સામાન્ય ચૂંટણીના સાતમા તબક્કામાં મતદાન થવાનું છે.
આ પરિસ્થિતિમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે પોતાની યાદી જાહેર કરી છે. ભાજપે ધર્મશાલાથી સુધીર શર્મા, લાહૌલ અને સ્પીતિથી રવિ ઠાકુર, સુજાનપુરથી રાજીન્દર રાણા, બરસરથી ઈન્દર દત્ત લખનપાલ, ગાગ્રેટથી ચૈતન્ય શર્મા અને કુટલેહારથી દેવિન્દર કુમાર ભુટ્ટોને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે ગુજરાતમાં પાંચ બેઠકો, પશ્ચિમ બંગાળની બે બેઠકો અને કર્ણાટકની એક બેઠક ઉપરાંત સિક્કિમની નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે.