ગઈકાલે ગુરુવારે ભાજપના સાંસદે ગૃહની ગરિમાને લાંછન લગાડે એવી હરકત કરી હતી. જ્યારે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતા અંગે ચર્ચા થઇ રહી હતી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ રમેશ બિધુરીએ બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીને ધર્મ વિશેષક વાંધાજનક શબ્દો કહ્યા હતા. જ્યારે ચર્ચા બિધુરીએ દાનિશ અલીને ઉગ્રવાદી, આતંકવાદી અને અન્ય ઉલ્લેખ ના કરવા યોગ્ય આપમાન જનક શબ્દો કહ્યા હતા અને એવું પણ કહ્યું કે તને તો બહાર જોઈ લઈશ. આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગૃહમાં આ માટે ખેદ વ્યક્ત કર્યો હતો.
સાંસદ રમેશ બિધુરી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS) સાથે જોડાયેલા છે. રમેશ બિધુરી સંસદમાં દક્ષિણ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં તેઓ સાથી સાંસદને અપશબ્દો કહી રહ્યા હતા ત્યારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન હસી રહ્યા હતા.
સાંસદના આવા નિવેદન બાદ કોંગ્રેસ, ટીએમસી અને AAPએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમજ લોકસભા સ્પીકર પાસે રમેશ બિધુરી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિવાદ વધતા જ રમેશ બિધુરીના નિવેદનનો વિવાદાસ્પદ ભાગ લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું, મુસ્લિમો અને દલિતોનું અપમાન કરવું એ ભાજપની સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. મોટાભાગના લોકોને આમાં કંઈ ખોટું નથી દેખાતું. પીએમ મોદીને ટેગ કરતાં તેમણે લખ્યું કે, તેમણે ભારતીય મુસ્લિમોને પોતાની ધરતી પર એવી ડરની સ્થિતિમાં જીવવા મજબૂર કર્યા છે કે તેઓ હસતાં-હસતાં બધું સહન કરે છે.
અન્ય એક નેતાએ કહ્યું કે બુધવારે રાજ્યસભામાં આપના સાંસદે ભાજપ માટે ‘ધોખા’ શબ્દનો ઉપયોગ કર્યો, ત્યારે સ્પીકર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આ એક અસંસદીય શબ્દ છે અને રેકોર્ડ પર જશે નહીં. જયારે ભાજપના સાંસદો ગમે તે બોલે એ બધું બરાબર છે!
રમેશ બિધુરી અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે. થોડા સમય પહેલા, તેમના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી જ્યારે એક વાલી શાળાની સમસ્યા લઈને આવ્યા હતા. બિધુરીએ કહ્યું હતું કે બાળકો પેદા જ કેમ કરો છો?
આ પહેલા એક વાર તેમણે કહ્યું હતું કે જ્યાં મુસ્લિમ લઘુમતીમાં હોય છે ત્યાં માનવ અધિકારની વાત થાય છે અને જ્યાં તેઓ બહુમતી બને છે ત્યાં રક્તપાત શરૂ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રમેશ બિધુરી સાથે વાત કરી હતી. રમેશ બિધુરીના મામલાને ગંભીરતાથી લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે રમેશ બિધુરીને ભાષાના ઉપયોગનું પણ ધ્યાન રાખવાની ચેતવણી આપવામાં આવી હતી.