નેશનલ

‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર ભાજપ નેતાની ટિપ્પણી, પૂછ્યું ‘ન્યાય કોના માટે?’

મણિપુર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં રવિવારે મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઇ ચુકી છે. પૂર્વોત્તર રાજ્ય મણિપુરના થૌબલ જિલ્લાથી આ યાત્રાને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. 20 માર્ચે આ યાત્રાનું સમાપન થશે.

આ યાત્રામાં સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થશે. પહેલા રાહુલ ગાંધી ઇમ્ફાલથી યાત્રાની શરૂઆત કરાવવાના હતા પરંતુ મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેનસિંહે સુરક્ષાના કારણોસર યાત્રાની મંજૂરી ન આપતા તે આયોજનમાં ફેરફાર થયો અને થૌબલ જિલ્લાથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નેતાઓ આ યાત્રામાં કુલ 67 દિવસોમાં 110 જિલ્લા થઇને આશરે 6700 કિમીથી વધુનું અંતર કાપશે.

યાત્રાના પ્રારંભ પહેલા કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઇટ પર અનેક તસવીરો શેર કરી હતી. ઇમ્ફાલમાં રાહુલ ગાંધીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી આ યાત્રામાં 60થી 70 યાત્રીઓ સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. જો કે મણિપુરની સરકારે અમુક શરતો પણ મુકી છે જેમકે કાર્યક્રમો 1 કલાકથી વધુ સમયના હોવા ન જોઇએ, તેમજ યાત્રામાં ભાગ લેનારા લોકોની સંખ્યા પણ 3000થી વધુ ન થવી જોઇએ. થૌબલના કમિશનરે પણ યાત્રા અંગે દિશાનિર્દેશો આપ્યા હતા.

કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકીને કેપશન આપ્યું હતું કે “ન્યાયની તરફ અમે ડગ માંડી ચુક્યા છીએ. અમે ન્યાય મેળવીને જ રહીશું.” એ પછી બીજી એક પોસ્ટમાં વીડિયો શેર કરીને લખ્યું હતું કે ‘સહો મત, ડરો મત.’

ભાજપ સાંસદ કે લક્ષ્મણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર નિશાન સાધતા પ્રતિક્રિયા આપી હતી કે યાત્રા તેમના સ્વાસ્થ્ય માટે સારી છે પરંતુ તેઓ ન્યાય કોના માટે માગી રહ્યા છે? પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સારો એવો વિકાસ થઇ રહ્યો છે, જેને તેઓ (કોંગ્રેસ)સહન નથી કરી શકતા. તેઓ સત્તામાં પરત ફરવા માટે આ યાત્રા કરી રહ્યા છે પરંતુ આ રાજકારણ જ છે બીજુ કંઇ નહિ, તેવું તેમણે ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button