મહાત્માનું અપમાન! બિહારમાં બાપુની પ્રતિમા માથે ભાજપની ટોપી, હાથમાં કમળનો ઝંડો

બિહાર: આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly election) યોજાવાની છે, એ પહેલા ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ વિવિધ વિસ્તારોમાં રેલીઓ આયોજીત કરી રહી છે. એવામાં મુઝફ્ફરપુરમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની રેલી મામલે વિવાદ ઉભો થયો છે. રેલી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ કરીને તેમનું અપમાન કર્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ મુઝફ્ફરપુરમાં NDAની રેલી દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમાના માથે ભાજપની ટોપી પહેરાવવામાં આવી હતી અને તેમના હાથમાં રહેલી લાકડી સાથે કમળના ચિહ્ન સાથેનો ભાજપનો ઝંડો બાંધી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(RJD) એ આ હરકતને મહાત્મા ગાંધીનું અપમાન ગણાવ્યું છે. બાદમાં બાપુની પ્રતિમાને ગંગાજળથી ધોવામાં આવી હતી.
વિપક્ષનું વિરોધ પ્રદર્શન:
રેલીમાં ભાજપ નેતા શાહનવાઝ હુસૈન, જનતા દળ યુનાઇટેડ(JDU)ના કાર્યકારી પ્રમુખ સંજય ઝા સહિત NDAના ઘણા વિધાનસભ્યો અને સાંસદો હાજર હતા. સોશિયલ મીડિયા પર બાપુની પ્રતિમાનો ફોટો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો છે. વિધાનસભ્ય મુન્ના યાદવ RJD કાર્યકર્તાઓ સાથે રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતા. બાપુની પ્રતિમા પાસે નારેબાજી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુન્ના યાદવે બાપુની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું.
ભાજપે શું દલીલ આપી?
મુન્ના યાદવે આ હરકત કરનારા તત્વોને કડક સજા થાય એવી માંગ કરી છે. તેમણે કહ્યું કે આ અપમાન સહન કરવામાં નહીં આવે. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તાએ કહ્યું કે ભાજપ પાસે માફીની માંગ કરી. તેમણે કહ્યું કે આ ઘટનાથી ભાજપના લોકોનું ચારિત્ર્ય ઉઘાડું પડી ગયું છે. બીજી તરફ ભાજપ આ ઘટનાને RJD અને કોંગ્રેસનું કાવતરું ગણાવી રહી છે.
બાપુની પ્રતિમા સાથે છેડછાડ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ આ મામલે જાણ થયા બાદ શનિવારે રાત્રે જ ટોપી અને ઝંડો ઉતારી લેવામાં આવ્યા હતાં, આરોપીઓની ઓળખ માટે તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: પીએમ મોદીની બિહાર યાત્રા પૂર્વે પોસ્ટર વોર છેડાયું, આરજેડીએ ઉઠાવ્યા આ સવાલ