પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન પર સહમતી, આ પક્ષો પણ NDAમાં જોડાશે
અમૃતસર: ભાજપ લોકસભા ચૂંટણીને લઈ ભાજપ અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરી રહ્યું છે. જેમ કે પંજાબમાં શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થવાની પ્રબળ શક્યતા છે. જો બંને વચ્ચે ગઠબંધન થશે તો પંજાબમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને ચોક્કસપણે નવો સહયોગી મળશે.
ગત 2019ની લોકસભા ચૂંટણી શિરોમણી અકાલી દળ (SAD) એનડીએમાં ભાજપ સાથે રહીને લડી હતી, પરંતુ 2020-21ના ખેડૂતોના આંદોલન દરમિયાન, બંને પક્ષો વચ્ચે ખટરાગ વધ્યો હતો. આ પછી શિરોમણી અકાલી દળે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.
ઘણા પક્ષો NDAમાં જોડાશે
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ફરી એકવાર અકાલી દળના NDAમાં સામેલ થવાની ચર્ચા અને શક્યતાઓ તેજ થઈ ગઈ છે. આ પહેલા પણ ઘણા પક્ષો NDAમાં સામેલ થાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ જયંત ચૌધરીના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકદળ (RLD) પણ NDAનો ભાગ બની ગયું છે.
શિરોમણી અકાલી દળ (SAD) ઉપરાંત દક્ષિણની તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટી પણ NDAમાં જોડાય તેવી શક્યતા છે. બંને પક્ષોના નેતાઓએ ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે અનેક રાઉન્ડની વાતચીત પણ કરી છે.
આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને TDP પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુ ગયા શુક્રવારે (8 માર્ચ) નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. તે જ પ્રકારે પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. બંને વચ્ચેની બેઠક સૌહાર્દપૂર્ણ રહી હતી અને બેઠકોની વહેંચણીના મુદ્દે ટૂંક સમયમાં અંતિમ વાટાઘાટો થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશમાં ભાજપ, ટીડીપી અને જનસેના પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.