‘ઝિયા ઉલ હકે પાકિસ્તાનનું જેહાદીકરણ કર્યું…’ બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનની પોલ ખોલી

નવી દિલ્હી: આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા અને આતંકવાદીઓને આસરો આપવા બદલ પાકિસ્તાનની છબી દુનિયાભરમાં ખરડાયેલી છે. આતંકવાદને છાવરવાના વરવા પરિણામ પાકિસ્તાનને જ ભોગવવા પડી રહ્યા છે, આજે શુક્રવારે બલોચિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં 9 લોકોના મોત નીપજ્યા છે. તાજેતરમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તમણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની ધરતી જેહાદી પ્રવૃતિઓ થઇ રહી છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ ભૂતકાળથી ભાગવા માંગતા નથી, તેમણે કહ્યું પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હક દેશના ‘જેહાદીકરણ’ માટે જવાબદાર હતા.
પાકિસ્તાનનું ‘જેહાદીકરણ’ કરવામાં આવ્યું:
ભારતીય ન્યુઝ વેબસાઈટને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે બિલાવલને પૂછવામાં આવ્યું કે તમારા પિતા આસિફ અલી ઝરદારી પણ કહેતા રહ્યા છે કે આજના આતંકવાદીઓ ભૂતકાળના હીરો હતા. તમારા પિતાએ પણ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોના ગઠનની વાત સ્વીકારી છે.
જેના જવાબમાં બિલાવલને કહ્યું, “અમે ભૂતકાળથી ભાગવા ઈચ્છતા નથી, પરંતુ ભૂતકાળમાં ફસાઈને વાસ્તવિકતાને અવગણવી જોઈએ નહીં. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાય અને સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હક સાથે મળીને પાકિસ્તાનના ‘જેહાદીકરણ’ની યોજના બનાવી હતી. અફઘાનિસ્તાનના સંદર્ભમાં લડાઈ લડી શકીએ.”
‘હું પણ આતંકવાદનો ભોગ બન્યો’
બિલાવલ ભુટ્ટોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે પાકિસ્તાન પણ આતંકવાદને કારણે પીડિત છે. તેણે કહ્યું આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાને આપણે કુલ 92,000 લોકોને ગુમાવ્યા છે. તેમણે કહ્યું, “હું પોતે પણ આતંકવાદનો શિકાર છું.”
ઉલ્લેખનીય છે કે બિલાવલ ભુટ્ટોની માતા બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદી બોમ્બ બ્લાસ્ટથી તેમની જાહેરમાં હત્યા કરી હતી. બિલાવલના દાદા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પણ પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂક્યા છે.
ભારત સાથે મિત્રતા માટે તૈયાર:
ગત અઠવાડિયે બિલાવલે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વિશ્વાસ કરે એ પ્રયત્નના ભાગ રૂપે પાકિસ્તાનને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર જેવા મુશ્કેલી સર્જનારાઓને ભારતને સોંપવામાં કોઈ વાંધો નથી, જો ભારત આ પ્રક્રિયામાં સહયોગ કરે તો એ દિશામાં આગળ વધવું જોઈએ.
તેમણે પહેલગામ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો અને કહ્યું કે તેઓ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોનું દુઃખ સમજે છે. આ હુમલાના ભોગ બનેલા લોકોના પરિવારો જે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે તે તેઓ સમજે છે.
આ પણ વાંચો…બિલાવલ ભુટ્ટોની ધમકીનો સી.આર. પાટીલે આપ્યો જવાબ, સિંધુ જળ સંધિને લઈને કરી મોટી વાત