
નવી દિલ્હી: આસનસોલ રેલવે ડિવિઝન હેઠળ આવતા જમુઈ જિલ્લામાં એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ટેલવા બજાર હોલ્ટ પાસે સિમેન્ટ ભરેલી એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં સમગ્ર રેલવે પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરીને વેરવિખેર થઈ ગયા હતા, જેને કારણે વ્યસ્ત ગણાતા આ રેલ માર્ગ પર ટ્રેનોની અવરજવર અટકી પડી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, જસીડીહથી ઝાંઝા તરફ જઈ રહેલી આ માલગાડીના અંદાજે એક ડઝન જેટલા ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટના સમયે ટ્રેન જ્યારે પુલ સંખ્યા 676 અને પોલ સંખ્યા 344/18 પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન માલગાડીના ત્રણ ડબ્બા સીધા બરુઆ નદીમાં ખાબક્યા હતા, જ્યારે અન્ય ડબ્બાઓ એકબીજા ઉપર ચડી ગયા હતા. ટ્રેનમાં રહેલો સિમેન્ટનો જથ્થો આસપાસના વિસ્તારમાં વિખરાઈ ગયો હતો.
આ અકસ્માત શનિવારે રાત્રે અંદાજે 11:30 કલાકે થયો હતો. અચાનક થયેલા આ અકસ્માતને કારણે જસીડીહ-ઝાંઝા રેલખંડની અપ અને ડાઉન બંને લાઈનો પર ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. દિલ્હી-હાવડા રૂટની અનેક મહત્વની ટ્રેનોને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે અથવા તો વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી છે. આ રૂટ પર મુસાફરી કરી રહેલા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ (GRP), RPF અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે શરૂઆતમાં રાહત કાર્યમાં મુશ્કેલીઓ પડી હતી. ઉચ્ચ અધિકારીઓ સમયસર ઘટનાસ્થળે ન પહોંચવાને કારણે કામગીરી શરૂ કરવામાં થોડો વિલંબ થયો હોવાના પણ અહેવાલ છે. હાલમાં રેલવે ટ્રેકને ફરી શરૂ કરવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.



