‘જંગલરાજ’ના ડરથી મતદારોનો ‘મૂડ’ બદલાયોઃ બિહારના પરિણામો મુદ્દે પ્રશાંત કિશોરે મૌન તોડ્યું…

નવી દિલ્હી-પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ આરજેડી-કોંગ્રેસ સહિતના મહાગઠબંધનના પક્ષો પણ હરકતમાં આવી ગયા છે. મહાગઠબંધનના પક્ષો પણ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ સીટ પર લડનાર જન સુરાજ પાર્ટીને કારણી હાર મળી હતી. જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર (પીકેથી ઓળખાતા)એ હવે મતદારોના મૂડ મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલ ઊઠાવ્યા પછી હવે કહ્યું છે કે જંગલરાજ પાછું ફરવાના ડરને કારણે મતદારોનો મૂડ બદલાયો હતો અને એ જ કારણે મતદારો અમારી સાથે આવ્યા નહોતા.
મહિલાઓના ખાતામાં 10-10 હજાર રુપિયા આપ્યા
દેશમાં ચર્ચામાં રહેનારા પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી હવે નવું નિવેદન આપ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પર સવાલ કરનારા પ્રશાંત કિશોરે કહ્યું કે ચૂંટણીમાં ખોટું થયું હોવાનો દાવો કર્યો પણ તેમની પાસે કોઈ પુરાવા નહીં હોવાનું પણ જણાવ્યું હતું. પીકેએ દાવો કર્યો કે ચૂંટણીના છેલ્લા દિવસોમાં એનડીએ તરફથી મહિલાઓના ખાતામાં 10-10 હજાર રુપિયા આપીને મત પ્રક્રિયા પર અસર કરી હતી.
ચૂંટણીમાં એવું કંઈક થયું સમજ બહારની વાત
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનસુરાજ પાર્ટીને એક પણ સીટ મળી નહોતી. પ્રશાંત કિશોરે આજે ફરી આ મુદ્દે દિલ ખોલીને વાત કરી હતી કે ચૂંટણીમાં પ્રક્રિયામાં ચોક્કસ એવું કંઈક થયું, જે સમજની બહાર છે. ચૂંટણીના આંકડા અને વોટિંગ પેટર્ન વાસ્તવિક પ્રતિભાવથી મેળ બેસતો પણ નથી.

અમારી પાર્ટીને દસથી 20 ટકા મત મળ્યા હોત
પ્રશાંત કિશોરે હારના કારણ જણાવતા દાવો કર્યો કે પહેલું ફેક્ટર તો એ છે કે 50,000 મહિલા (જીવીકા દીદી યોજના)ને પૈસા મોકલવામાં આવ્યા. બીજું ફેક્ટ લાલુ પ્રસાદ યાદવ છે. લાલુ ફેક્ટરની વાત કરીએ તો લાલુનો ડર અને જંગલરાજ પાછું ફરવાના ડરને કારણે મતદારોએ મૂડ બદલ્યો હતો. જન સુરાજ પાર્ટીને દસથી 20 ટકા મત મળી શક્યા હોત, પણ છેલ્લે છેલ્લે લાગ્યું કે જન સુરાજ પાર્ટી જીતી નહીં અને આ જ કારણથી અમને લોકોએ અમારી પાસેથી અંતર રાખ્યું.
ટીકાકારોને પીકેએ કહ્યું, હું ખતમ થયો નથી
ચૂંટણીમાં હાર પછી ટીકાકારો દ્વારા રાજકીય ભવિષ્ય મુદ્દે સવાલ અંગે પીકેએ કહ્યું કે જે લોકો આજે મારું રાજકીય બેસણું લખી રહ્યા છે, તેઓ પહેલા મારી જીત પર તાળીઓ પાડતા હતા. જો હું સફળ રહ્યો હોત તો ફરી એ લોકો જ તાળીઓ પાડતા હોત. હું મારું કામ કરું છું અને તે લોકો પોતાનું. વાસ્તવમાં જે લોકો મારી ટીકા કરે છે કે તેઓ સૌથી વધુ જિજ્ઞાસુ છે. એનો અર્થ એ છે કે હું ખતમ થયો નથી અને પિક્ચર અભી બાકી હૈ.
એક પણ બેઠક જીતી શકી નહીં
અહીં એ જણાવવાનું કે બિહાર વિધાનસભાની ચૂંટણીની 243 બેઠકમાંથી 238 બેઠક પર જન સુરાજ પાર્ટીના ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ બેઠક પર પ્રશાંત કિશોરના ઉમેદવાર જીતી શક્યા નહોતા અને પાર્ટીને લગભગ 3.4 ટકા મત મળ્યા હતા. મોટા ભાગના ઉમેદવારોએ તો ડિપોઝિટ ગુમાવી હતી.
આ પણ વાંચો…ઇમરાન ખાનનું ઉદાહરણ આપી પ્રશાંત કિશોરે કહ્યું – ‘હવે પાછળ હટવાનો સવાલ નથી, મજબૂત થઈને પાછા આવીશું!’



