Video: કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી, કાર માલિકે કહ્યું આ તો સરકારને બદનામ કરવાનું કાવતરું છે | મુંબઈ સમાચાર
નેશનલ

Video: કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી, કાર માલિકે કહ્યું આ તો સરકારને બદનામ કરવાનું કાવતરું છે

પટના: રોડ-રસ્તાની ખરાબ સ્થિતિને કારણે સામાન્ય રીતે લોકો સરકાર કે સ્થાનિક પ્રસાશનને જવાબદાર ઠેરવીને રોષ ઠાલવતા હોય છે, પરંતુ બિહારમાં ખરાબ રસ્તાને કારણે થયેલા એક અકસ્માત બાદ કાર માલિકે અલગ જ આરોપ લાગાવ્યા. શુક્રવારે સાંજે બિહારના પટનામાં પાંચ મુસાફરોને સાથેની એક SUV કાર પાણી ભરાયેલા એક મોટા ખાડામાં ખાબકી. સદભાગ્યે કારમાં સવાર તમામ લોકો બચી ગયા. કાર ચલાવી રહેલી મહિલાએ આ ઘટના અંગે આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે કાળા કલરની સ્કોર્પિયો-એન કાર પાણીથી ભરેલા એક ખાડામાં આડી પડી છે અને તેનો અડધાથી વધુ ભાગ ડૂબેલો છે. સ્થાનિક લોકો ખાડાની આજુબાજુ એકઠા થઇ ગયા છે. કારની અંદર કોઈ નથી એની ખાતરી કરવા માટે બે માણસો કારની ઉપર ઉભા થઇને ડ્રાઇવર બાજુનો દરવાજો ખોલતા જોવા મળે છે.

આ પણ વાંચો: ખરાબ રસ્તા બનાવનાર કૉન્ટ્રેક્ટર પાસે જ નવેસરથી રોડ બનાવશે ને બમણો દંડ કરાશે

અન્ય વિડીયોમાં જોવા મળે છે જ્યાં અકસ્માત સર્જાયો એ પટના રેલ્વે સ્ટેશન પાસેનો રોડ તૂટેલો છે અને રસ્તો ઉબડખાબડ છે, જેના પર લાંબા સમયથી કામ નથી કરવામાં આવ્યું. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સરકાર સામે રોષ ઠાલવવામાં આવતો હોય છે. પરંતુ અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કારની માલિક મહિલાએ આરોપ લગાવ્યો કે આ અકસ્માત “સરકારને બદનામ કરવાનું ષડ્યંત્ર” છે.

એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા ભાગલપુરના રહેવાસી નીતુ સિંહ ચૌબેએ કહ્યું, “દરેકનો સંપર્ક કરવામાં આવ્યો છે. અમે ડીએમ સાથે વાત કરી. આ ચૂંટણી સમયગાળા દરમિયાન સરકારને બદનામ કરવાનું કાવતરું છે. આ બધો BUIDCO(બિહાર અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન)નો વાંક છે.”

આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ આકરા પાણીએઃ બિસ્માર રસ્તાની યાદીનો આદેશ, કોન્ટ્રાક્ટર-અધિકારીઓ થશે બ્લેકલિસ્ટ

દરરોજ ખાડામાં પડે છે?

મહિલાએ આરોપ લગાવ્યો કે અધિકારીઓએ ખાડો બનાવ્યો અને 20 દિવસ સુધી કોઈ ધ્યાન ન આપ્યું. વરસાદની ઋતુ છે. કારમાં પાંચ લોકો હતા. જો કોઈનો જીવ ગયો હોત તો જવાબદારી કોણ લેત? કોઈ બેરિકેડ લગાવવામાં આવ્યા નથી. મારી કાર પડી ગયા પછી પણ, બીજો એક વ્યક્તિ તેની બાઇક પરથી તે જ ખાડામાં પડી ગયો. સ્થાનિક લોકો કહે છે કે દરરોજ આ ખાડામાં કોઈને કોઈ પડે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button