Top Newsનેશનલ

બિહારમાં નીતીશ કુમાર ફરી CM બની શકે પણ નાયબ મુખ્ય પ્રધાનના નામ પર સસ્પેન્સ!

શપથગ્રહણ 20 નવેમ્બરે શક્ય, ભાજપ અને જેડી(યુ) પ્રધાન પદનો સમાન હિસ્સો મેળવી શકે

પટણા: બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટણામાં યોજાવવાની શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાનો સહિત એનડીએના અન્ય ઘણા ટોચના નેતાઓ શપથગ્રહણ સમારોહમાં ભાગ લે તેવી શક્યતા છે. મુખ્ય પ્રધાનનું નામ પર નીતીશ કુમારના નામની મહોર લાગી શકે છે, પરંતુ નાયબ મુખ્ય પ્રધાનનું કોકડું ઉકેલાયું નથી.

અલબત્ત, નવી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિદાય લેતા નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી સામેના આરોપોએ તેમના પુનરાગમન અંગે શંકા ઊભી કરી હતી, જોકે ભાજપના નેતાઓ કહે છે કે એનડીએના આદેશ અને તારાપુરથી તેમની જીત સૂચવે છે કે મતદારોએ આરોપોને ફગાવી દીધા છે.

નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું
નીતીશ કુમારે આજે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું સુપરત કર્યું હતું, જેનાથી ઔપચારિક રીતે વિદાયમાન એનડીએ સરકારનો અંત આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવસની શરૂઆતમાં મંત્રીમંડળે ૧૦ મિનિટની ટૂંકી બેઠક યોજી હતી જેમાં સર્વાનુમતે કુમારને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

પ્રધાન પદનો સમાન હિસ્સો મળવાની શક્યતા
ભાજપ અને જેડી(યુ), જેમણે ૧૦૧-૧૦૧ બેઠક પર ચૂંટણી લડી હતી, તેમને એનડીએની પ્રારંભિક સત્તા-વહેંચણી યોજના હેઠળ પ્રધાન પદનો સમાન હિસ્સો મળવાની શક્યતા છે. દરખાસ્ત મુજબ, એલજેપી (રામવિલાસ)ને બે મંત્રાલયો મળી શકે છે, જ્યારે આરએલએમ અને એચએએમ(એસ) ને એક-એક મંત્રાલય ઓફર કરવામાં આવી શકે છે.

વિજય માટે તેમની સદ્ભાવના અને શાસન રેકોર્ડને શ્રેય
ભાજપ 89 બેઠક સાથે સૌથી મોટો પક્ષ છે, ત્યાર બાદ જેડી(યુ) ૮૫ બેઠક સાથે બીજા ક્રમે છે; વિદાય લેતી સરકારમાં, ભાજપ પાસે ૨૨ અને જેડી(યુ) ૧૨ પ્રધાન હતા. ભાજપ નીતિશ કુમારને મુખ્ય પ્રધાન પદે જાળવી રાખવા માટે એકમત છે. એનડીએની મજબૂત જીત માટે તેમની સદ્ભાવના અને શાસન રેકોર્ડને શ્રેય આપે છે.

20 અથવા 21 નવેમ્બરના શપથગ્રહણ યોજાશે
આગામી દિવસે બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે પત્રકારોને જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યો મંગળવારે તેમના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે મળશે. મોટા ભાગે, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ નવેમ્બર અથવા ૨૧ નવેમ્બરના યોજાશે, એમ તેમણે જણાવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ માટે પટનાના ગાંધી મેદાનમાં તૈયારીઓ ચાલી રહી છે.

ઠરાવ પસાર કર્યા પછી મુખ્ય પ્રધાન રાજ્યપાલને મળ્યા
મંત્રી પરિષદે ૧૯ નવેમ્બરના બેઠકમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. મુખ્ય પ્રધાન બેઠક પછી તરત જ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મળ્યા અને તેમને મંત્રીમંડળના નિર્ણય વિશે માહિતી આપી હતી, એમ જેડી(યુ)ના વરિષ્ઠ નેતા અને સંસદીય બાબતોના પ્રધાન વિજય ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી અને મુખ્ય સચિવ પ્રત્યા અમૃત સાથે કુમાર બેઠક પછી રાજ્યપાલને મળ્યા હતા.

“બિહારમાં એનડીએના પ્રચંડ વિજય બદલ મુખ્ય પ્રધાનનો આભાર માનતો કેબિનેટે બીજો ઠરાવ પસાર કર્યો હતો. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ બિહારમાં ગઠબંધનનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. રાજ્ય સરકારની દૂરંદેશી નીતિઓને કારણે આ શક્ય બન્યું છે,” એમ વિજય ચૌધરીએ જણાવ્યું હતું.

વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ ૨૪૩ સભ્યના ગૃહમાં ૨૦૦થી વધુ બેઠકો જીતી છે, જેમાં ભાજપે સૌથી વધુ ૮૯ બેઠક જીતી છે, ત્યારબાદ જેડી (યુ)એ ૮૫ બેઠક જીતી છે. જેડી(યુ)ના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેઓ ૧૯ નવેમ્બરના રોજ કુમારને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટશે.

આ પણ વાંચો…20મી નવેમ્બરે બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ કાર્યકમ યોજાઈ શકે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button