બિહારમાં NDAની સરકાર રચનાની ગતિવિધિ તેજ: અમિત શાહની બેઠક બાદ તૈયાર થશે મંત્રીઓની યાદી

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ ભવ્ય વિજય મેળવ્યો છે. NDA (નેશનલ ડેમોક્રેકિટ એલાયન્સ) પાસે 202 ધારાસભ્યોની જીત સાથે બે તૃતીયાંશથી વધુ બહુમતી છે.
જેથી હવે NDA પોતાની આઠમી સરકાર રચવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર 20 નવેમ્બરના રોજ દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ શપથવિધિમાં તેમની સાથે પાંચ NDA પક્ષના આશરે 20 મંત્રી પણ શપથ લેશે તેવી સંભાવના છે.
આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો વિજય, ચિરાગ પાસવાને કહ્યું પીએમ મોદી અને નીતિશ કુમારની જીત…
અમિત શાહની બેઠકમાં નક્કી થશે યાદી
બિહારમાં સરકારની રચના અને મંત્રીમંડળની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. આજે ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન પટના પહોંચી ગયા છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહે દિલ્હીમાં ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જેમાં શપથ લેનારા મંત્રીઓની સંખ્યા અને યાદી અંગે ચર્ચા થઈ હતી.
નીતિશની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીઓની સંખ્યા અને નેતા અંગે પણ અમિત શાહ સાથે ચર્ચા થવાની શક્યતા છે. અમિત શાહ બુધવારે સાંજે પટના જવાના છે. એવું માનવામાં આવે છે કે, તેમના આ પ્રવાસ બાદ ભાજપના મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગે પીએમ મોદી અને અમિત શાહે શું કહ્યું?
બિહારમાં કેટલા મંત્રીઓ લેશે શપથ
શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને 35 મંત્રી એકસાથે શપથ લેશે તેવી અટકળો હતી, પરંતુ હવે પરંપરાગત પદ્ધતિ અપનાવવામાં આવશે. શપથ સમારોહમાં નીતિશ કુમાર સહિત આશરે 20 મંત્રી શપથ લેશે.
આ યાદીમાં ભાજપ અને JDUના 14-16 મંત્રીઓ, જ્યારે LJP-R, HAM અને RLSPના કુલ ચાર મંત્રીઓ (ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષોમાંથી) હોવાની અપેક્ષા છે. ફ્લોર ટેસ્ટની ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી ખાલી જગ્યાઓ ભરવા માટે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
આવતીકાલે મહત્ત્વની બેઠકો થશે
પટનામાં બુધવારનો દિવસ રાજકીય દૃષ્ટિકોણથી નિર્ણાયક રહેશે. આવતીકાલે JDU અને BJP ધારાસભ્યોની અલગ-અલગ બેઠકો થશે, જ્યાં બંને પક્ષો તેમના ધારાસભ્ય પક્ષના નેતાઓની પસંદગી કરશે. ભાજપ અને JDUની બેઠક બાદ NDA ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગઠબંધનના નેતાની પસંદગી થશે. નેતાની પસંદગી થયા બાદ નીતિશ કુમાર સરકાર બનાવવાનો દાવો કરવા રાજભવન જશે.



