
પાંચ વખતના MLA, છત્તીસગઢના પ્રભારી અને કર્મઠ કાર્યકર્તા: નીતિન નબીનને આ મહત્ત્વપૂર્ણ પદ શા માટે મળ્યું?
નવી દિલ્હીઃ બિહાર સરકારના પ્રધાન નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ભાજપના સંસદીય બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ નિર્ણય લીધો છે. પાર્ટી દ્વારા એક મોટો સંગઠનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણયને કારણે સૌને આશ્ચર્ય પણ થયું છે. રાષ્ટ્રીયસ્તરે પર અત્યારે બિહારનું પ્રભુત્વ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નીતિન નબીન પણ બિહારમાં પ્રધાનપદે છે, અત્યારે તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. નીતિન નબીન બિહારમાં બાંકીપુરથી પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યાં છે તો ચાલો જાણીએ કોણ છે આ બિહારી નેતા.
બિહારી નેતા પર શા માટે કળશ ઢોળવામાં આવ્યો
નીતિન નબીન ભાજપના એવા વિધાનસભ્ય છે, જે 2006થી 2025 સુધી ચૂંટાયા છે. પાંચ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. 2020ની ચૂંટણીમાં શોટગન શત્રુઘ્ન સિંહના દીકરા લવ સિંહા અને પોલિટિકલ સેન્સેશન પુષ્પમ પ્રિયા ચૌધરીને હરાવીને પોતાનો પરચો આપ્યો હતો. બીજી મહત્ત્વની વાત છત્તીસગઢના પ્રભારી બન્યા પછી પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના ગઢના કાંકરા ખેરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા પછી પાર્ટીની સેકન્ડ લાઈનને તૈયાર કરવામાં સફળ રહ્યા. સૌમ્ય સ્વભાવ ધરાવનારા નીતિન નબીને જનતાની વચ્ચે પહોંચીને અનેક વિરોધો હોવા છતાં જનતા સાથે હળીમળીને સન્માન પણ આપે છે. સાત વખતના વિધાનસભ્ય રહી ચૂકેલા પિતા નવીન કિશોર સિંહનો વારસો પણ જાણવી રાખ્યો છે. પિતાના નિધન પછી પણ પિતાના પગલે પગલે ચાલીને જનતાનો જ નહીં, મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.

ભાજપ દ્વારા મોટો સંગઠનાત્મક ધોરણે લેવાયો નિર્ણય
નીતિન નબીન બિહારમાં ભાજપના અનુભવી નેતા છે. છેલ્લાં 25 વર્ષથી તેઓ પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યાં છે. બિહારની રાજનીતિમાં તેમને બહોળો અનુભવ છે. નીતિન નબીને બિહાર સરકારમાં શહેરી વિકાસ, રોડ, ભવન નિર્માણ જેવા મહત્વની વિભાગો સંભાળી ચૂક્યાં છે. બિહારમાં નીતિન નવીનને બિહારના મજબૂત નેતા માનવામાં આવે છે. તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં ખૂબ સક્રિય રહીને કામ કરતા હોય છે. તેમને વહીવટી અનુભવ અને સંગઠનાત્મક શક્તિ બંને મજબૂત હોવાના કારણે અત્યારે તેમને આ પદ આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા બિહારના નેતાઓમાં આનંદ
નીતિન નબીન આજે બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકર્તા પરિવાર સન્માન સમારોહમાં હાજરી આપી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિન નબીને આ કાર્યક્રમને સંગઠનની એકતા, કાર્યકરોના સમર્પણ અને જાહેર સમર્થનનો ઉત્સવ ગણાવ્યો હતો. મોટી સંખ્યામાં પક્ષના અધિકારીઓ, બૂથ-સ્તરના કાર્યકરો, વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા. હવે તેમને ભાજપે રાષ્ટ્રીયકક્ષાની જવાબદારી સોંપી છે.
ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે બિહારથી નીતિન નબીનને પસંદ કર્યા તે માટે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ પીએમ મોદી અને સંગઠન નેતા જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. બિહારના નેતાને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવતા બિહારમાં પાર્ટીના અધ્યક્ષ દિલીપ જયસ્વાલે આજના દિવસને ભાજપ માટે ખૂબ જ ઐતિહાસિક ગણાવ્યો છે.
પીએમ મોદીએ નીતિન નબીનને એક કર્મઠ કાર્યકર્તા ગણાવ્યાં
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને નીતિન નબીનના ખૂબ વખાણ પણ કર્યાં છે. એક્સ પર પોસ્ટ કરીને નીતિન નબીનને એક કર્મઠ કાર્યકર્તા ગણાવીને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ સંસદીય બોર્ડના વરિષ્ઠ નેતાઓ દ્વારા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નીતિન નવીનની પસંદગી કરી તે માટે અમિત શાહે નીતિન નબીનને અભિનંદન આપ્યાં છે. તેમણે પણ એક્સ પર પોસ્ટ કરતા નીતિન નબીનના કામના વખાણ કર્યા અને આ જવાબદારી સારી રીતે નિભાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લખ્યું કે, જ્ઞાન અને સંસ્કૃતિની પવિત્ર ભૂમિ બિહારના ભાજપના નેતા અને બિહાર સરકારમાં પ્રધાન નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું’. જેપી નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પીએમ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં નીતિન નબીન ખૂબ જ સારી રીતે કાર્ય કરશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે નીતિન નબીનને એક મહેનતુ અને મહાન કલ્પનાશક્તિ ધરાવતા માણસ ગણાવીને શુભેચ્છાઓ આપી છે.



