નેશનલ

બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કર્યો, અત્યંત પછાત વર્ગ 36 ટકા

બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. બિહાર સરકાર પર આ રિપોર્ટ જલ્દી જાહેર કરવા માટે ઘણું દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે આખરે આજે સોમવારે ગાંધી જયંતીના દિવસે રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ આ રિપોર્ટ જાહેર કર્યો હતો. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને બાબતે ઘણો હોબાળો થયો હતો. આ મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

બિહારમાં કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલ મુજબ, બિહારની કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. રાજ્યમાં પછાત વર્ગ કુલ વસ્તીના 27.13% છે, જયારે અત્યંત પછાત વર્ગ 36.01% અને સામાન્ય વર્ગ 15.52% છે. અધિક મુખ્ય સચિવે કહ્યું કે 1 જૂન, 2022ના રોજ સર્વપક્ષીય બેઠકમાં બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. આ પછી, 2 જૂન, 2022 ના રોજ રાજ્ય પ્રધાન પરિષદ દ્વારા આપવામાં આવેલા નિર્ણયના આધારે, ફેબ્રુઆરી 2023 સુધીમાં રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અધિક મુખ્ય સચિવ વિવેક સિંહે જણાવ્યું હતું કે ન્યાય સાથે વિકાસના સિદ્ધાંત પર રાજ્ય સરકારે રાજ્યના તમામ ધર્મો અને જાતિઓની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. બિહાર રાજ્યમાં કરાયેલી ગણતરી મુજબ સમગ્ર બિહારની વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પુરૂષોની કુલ સંખ્યા 6 કરોડ 41 લાખ 31 હજાર 990 છે જ્યારે મહિલાઓની સંખ્યા 6 કરોડ 11 લાખ 38 હજાર 460 છે, અન્યની સંખ્યા 82 હજાર 836 હોવાનું જાણવા મળ્યું છે. ગણતરી મુજબ, દર 1000 પુરૂષો માટે 953 સ્ત્રીઓની સંખ્યા નોંધવામાં આવી હતી. સમગ્ર બિહારમાં કુલ 2 કરોડ 83 લાખ 44 હજાર 107 પરિવારોનો સર્વે કરવામાં આવ્યો છે.

જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલ મુજબ બિહારમાં સૌથી વધુ હિન્દુઓ છે. રાજ્યમાં હિંદુઓની સંખ્યા 10 કરોડ 71 લાખ 92 હજાર 958 છે. જયારે રાજ્યમાં મુસ્લિમોની સંખ્યા 2 કરોડ 31 લાખ 49 હજાર 925 છે. ખ્રિસ્તીઓની સંખ્યા 75,238, શીખોની સંખ્યા 14,753, બૌદ્ધોની સંખ્યા 1,11,201 અને જૈનોની સંખ્યા 12,523 છે.

બિહાર સરકાર દ્વારા રાજ્યમાં જાતિઓની સંખ્યા અને તેમની આર્થિક સ્થિતિ જાણવા માટે જાતિ આધારિત ગણતરી હાથ ધરવામાં આવીહતી. સરકારનું કહેવું છે કે તેનાથી અનામતની જોગવાઈઓ અને વિવિધ યોજનાઓના યોગ્ય અમલીકરણમાં મદદ મળશે.

જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવા પર, બિહારના મુખ્ય પ્રધાને કહ્યું, “આજે, ગાંધી જયંતિના શુભ અવસર પર, બિહારમાં હાથ ધરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીના કામ સામેલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button