હોમગાર્ડ ભરતી કસોટી દરમિયાન બેભાન થઈ ગયેલી યુવતી પર એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: બિહારની આક્રોશજનક ઘટના | મુંબઈ સમાચાર

હોમગાર્ડ ભરતી કસોટી દરમિયાન બેભાન થઈ ગયેલી યુવતી પર એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: બિહારની આક્રોશજનક ઘટના

પટના: દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સામે ફરી ગંભીર સવાલો ઉભા કરે એવી એક આક્રોશજનક ઘટના બિહારમાં બની છે. ગયા જિલ્લામાં હોમગાર્ડ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક 26 વર્ષીય મહિલા ઉમેદવાર બેભાન થઇ ગઈ હતી, સારવાર માટે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે ચાલતી એમ્બ્યુલન્સમાં તેની પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં (Gang rape in Gaya, Bihar)આવ્યો હતો.

અહેવાલ મુજબ આ આઘાતજનક ઘટના 24 જુલાઈના રોજ બની હતી. હોમગાર્ડ રિક્રુટમેન્ટ એકસરસાઈઝ હેઠળ ગયાના મિલિટરી પોલીસ ગ્રાઉન્ડમાં શારીરિક કસોટીનું આયોજન કરવમાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન 26 વર્ષીય મહિલા ઉમેદવાર બેભાન થઈ ગઈ હતી. સ્થળ પર હાજર એમ્બ્યુલન્સ દ્વારા યુવતીને તાત્કાલિક હોસ્પિટલ માટે રવાના કરવામાં આવી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું

મહિલાનો આરોપ છે કે જ્યારે તે બેભાન હતી ત્યારે એમ્બ્યુલન્સની અંદર તેના પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે એમ્બ્યુલન્સમાં જે બન્યું એના વિષે તેને આંશિક રીતે જ યાદ છે, કેમ કે તે બેભાન હતી. બાદમાં યુવતીએ હોસ્પિટલ સ્ટાફને જાણ કરી કે એમ્બ્યુલન્સની અંદર ત્રણથી ચાર માણસોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિત યુવતીએ બોધગયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) અને ફોરેન્સિક ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. કેસ નોંધાયાના થોડા કલાકોમાં જ SIT એ એમ્બ્યુલન્સ ડ્રાઇવર વિનય કુમાર અને એમ્બ્યુલન્સમાં રહેલા ટેકનિશિયન અજિત કુમારની ધરપકડ કરી હતી.

બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આસપાસના CCTV ફૂટેજ અને એમ્બ્યુલન્સ રૂટ અને ટાઈમલાઈનને આધારે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button