
નવી દિલ્હીઃ બિહારમાં હવે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા થોડી સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં યોજાશે. પહેલા ચરણમાં 6 નવેમ્બરે અને બીજા ચરણમાં 11 નવેમ્બરે મતદાન યોજાશે. આ વખતે 90,717 મતદાન મથકનો વધારો થયો છે. વિધાનસભા ચૂંટણી 2025માં 7.42 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે.
14 નવેમ્બરે જાહેર થશે ચૂંટણીના પરિણામો
બિહાર ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. બિહાર ચૂંટણી માટે 243 સામાન્ય નિરીક્ષકો, 38 પોલીસ નિરીક્ષકો અને 67 અન્ય નિરીક્ષકો હશે. બધા નિરીક્ષકો બહારના રાજ્યોના રહેશે તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એ પણ સ્પષ્ટ કર્યું કે, 24 જૂનથી SIR દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરના રોજ છેલ્લા નામાંકનના દસ દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં નામ ઉમેરી શકાય છે. નામાંકન પછી કોઈ નામ ઉમેરવામાં આવશે નહીં.

બિહારમાં 7.42 કરોડ મતદાતાઓ મતદાન કરશે
બિહાર વિધાનસભા ચૂંટણી પર નજર કરવામાં આવે તો, આ વખતે 90,717 મતદાન મથકોનો વધારો થયો છે. વિધાનસભા ચૂંટણી 2025માં 7.42 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે. જેમાં 4 લાખથી પણ વધારે વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવાના છે. જેમની ઉંમર 100 વર્ષ કરતા પણ વધારે હોય તેવા 14,000 મતદાતાઓ બિહારમાં છે. આ સાથે જે લોકો પહેલી વખત મતદાન કરવાના છે તેવા મતદાતાઓની સંખ્યા 14 લાખથી પણ વધારે છે.

આ વખતે બિહારમાં કઈ પાર્ટીને બહુમત મળશે?
આ વિધાનસભા ચૂંટણીમાં અનેક પાર્ટીઓ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. દરેક પાર્ટીએ જોરશોરથી પ્રચાર પણ કર્યો છે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે. આ પહેલાની વાત કરવામાં આવે તો બિહારમાં બીજેપી અને JDUના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. આ વર્ષે બિહારના લોકો કોના પર મહેરબાન થશે તેનું કોઈ નક્કી કહી શકાય તેમ નથી. કારણ કે, આ વખતે અનેક એવા મુદ્દાઓ છે તેના કારણે બિહારમાં રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો…સીએમ નીતીશ કુમારના માનસિક સ્વાસ્થ્ય અંગે તેજસ્વી યાદવે સવાલ ખડા કર્યા