સપનું રોળાયુંઃ ડેપ્યુટી સીએમ બનવાનું સપનું જોનારા મુકેશ સાહનીના સૂપડા સાફ…

VIP પાર્ટીના જનસુરાજ પાર્ટીના જેવા થયા બુરા હાલ, હજુ ખાતું ખોલી શકી નથી!
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીના પરિણામોમાં એનડીએ (NDA) ગઠબંધનની તરફેણમાં વિજયરથ આગળ વધી રહ્યો છે. વર્તમાન ગણતરી મુજબ એનડીએ ડબલ સેન્ચુરીનો મેજિકલ આંકડો પાર કરી દીધો છે, જ્યારે મહાગઠબંધનમાં સામેલ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ માત્ર 36 બેઠક પર જ આગળ છે.
બીજી બાજુ કેટલીક પાર્ટીઓ એવી છે, જેનો એકેય ઉમેદવાર જીત્યો નથી. દિગ્ગજ પાર્ટી સિવાય બહુ ગાજેલી પાર્ટી પૈકી વિકાસશીલ ઇન્સાન પાર્ટી(VIP) બહુ બુરા હાલ થયા છે. પાર્ટીના સંસ્થાપક મુકેશ સાહની તો બિહારના નાયબ મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા હતા, પણ હાલત ખરાબ થઈ છે. જાણીએ સમગ્ર મુદ્દો.
સરકારમાં મંત્રી બન્યા હતા VIPના નેતા
મુકેશ સાહનીએ 2018માં વિકાસશીલ ઇન્સાન પાર્ટી(VIP)ની સ્થાપના કરી હતી. 2020ની વિધાનસભાની ચૂંટણીમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટી(VIP)એ બોચાહા, ગૌરા બૌરામ, અલીનગર અને સાહેબગંજ એમ ચાર બેઠકો જીતીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જોકે, સાહેબગંજના ધારાસભ્ય રાજેશ કુમાર પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા.
NDA ગઠબંધનની સરકારમાં મુકેશ સાહનીને મત્સ્યપાલન મંત્રી બનાવવામાં આવ્યાા હતા, પરંતુ 2022માં નીતીશ કુમારે NDA ગઠબંધનનો સાથ છોડ્યો હતો, જેથી મુકેશ સાહનીને મંત્રી પદ ગુમાવવું પડ્યું હતું. સમય જતાં મુકેશ સાહની NDAથી મોહભંગ થઈ ગયા અને મહાગઠબંધનમાં જોડાયા હતા.
Dy CM બનવાનું સપનું રોળાયું
મહાગઠબંધનમાં જોડાયા પછી તેમણે તેજસ્વી યાદવને પોતાનો નાનો ભાઈ કહીને નાયબ મુખ્યમંત્રી પદ માટે જોરદાર દાવ લગાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ નાયબ મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહેલા મુકેશ સાહનીની પાર્ટી ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. ઉલ્લેખનીય છે કે VIPની જેમ પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ પણ હજુ સુધી પોતાનું ખાતું ખોલી શકી નથી.
આ પણ વાંચો…જનસુરાજ પાર્ટીનું સૂરસૂરિયું, પ્રશાંત કિશોરને રાજકારણ છોડવું પડશે?



