બિહાર ચૂંટણીમાં મોદી-નીતીશની જોડીનો જાદુ: NDAના સુપરહિટ પ્રદર્શનથી ભાજપના નેતાઓ ગદગદ, કોણે શું કહ્યું?

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના પ્રદર્શનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે લોકોએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી રાજકારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજ્યની 243 વિધાનસભા બેઠકમાંથી 180થી વધુ બેઠકો પર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પોતાની મોટી જીત હાંસલ કરી શકે છે. મોટી જીત સાથેના આ વલણોથી ભાજપના નેતાઓ ખુશ જોવા મળ્યા હતા અને તેને વિકાસની રાજનીતિની જીત ગણાવી રહ્યા છે.
વરિષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે લોકોએ જાતિ અને સમુદાયથી ઉપર ઉઠીને વિકાસ અને સુશાસનને મત આપ્યો છે. આ આશા અને વિશ્વાસનો મત છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “આ આશા અને વિશ્વાસનો મત છે. લોકોએ વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને (બિહારમાં) વિકાસની તેમની ગેરન્ટીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.” રવિશંકર પ્રસાદે કહ્યું કે બિહારના લોકોએ આરજેડીના શાસન દરમિયાન લાલુ પ્રસાદ યાદવના જંગલ રાજથી એનડીએના કાર્યકાળમાં રાજ્યનું પરિવર્તન જોયું છે.

તેમણે કહ્યું હતું કે બિહારના લોકોએ એનડીએના સુશાસન અને મહિલાઓ સહિત તેમના કલ્યાણ માટે લેવામાં આવેલા પગલાં જોયા છે. લોકોએ મોદી, ભાજપ અને એનડીએમાં વિશ્વાસ દર્શાવ્યો છે. મને એ વાતનો ગર્વ છે કે આપણું બિહાર આજે વિકાસના નવા માર્ગ પર આગળ વધવા માટે તૈયાર છે. બિહાર હવે વિકાસના માર્ગ પર વધુ ઝડપથી આગળ વધશે.
એક્સ પર એક પોસ્ટમાં ભાજપના સાંસદ અને મુખ્ય પ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું હતું કે, “એનડીએ બિહારમાં જંગી વિજય તરફ આગળ વધી રહ્યું છે.” બલૂનીએ બિહારમાં વડા પ્રધાન મોદીના ચૂંટણી પ્રચારનો એક વીડિયો ફૂટેજ પણ પોસ્ટ કરી હતી જ્યાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એનડીએ રાજ્યમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણી જીત નોંધાવશે.
મોદીનો આ જ વીડિયો ક્લિપ શેર કરતા ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ‘એક્સ’ પર ભોજપુરીમાં લખ્યું હતું કે, “બિહારમાં બમ્પર જીત થઈ ગઈ, જોડી મોદી-નીતીશની હિટ થઈ ગઈ. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે વિરોધી પક્ષે તેમના નેતૃત્વમાં માત્ર પોતાનો વારસો જ નહીં પરંતુ વિશ્વસનીયતા પણ ગુમાવી છે.
ભાજપના અન્ય રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કહ્યું હતું કે બિહારના લોકોએ ફરી એકવાર મોદીના વિકાસ-કેન્દ્રિત રાજકારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.લોકો પણ વિકાસની આ યાત્રામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માંગે છે. તેથી જ તેઓએ એનડીએ પસંદ કર્યું છે.”
આ પણ વાંચો…બિહારમાં ‘કિંગમેકર’ મહિલા મતદારો: ₹10,000ની યોજનાએ નીતીશ કુમારને જીતાડ્યા?



