બિહારના ડેપ્યુટી CM પાસે છે બે-બે ચૂંટણી કાર્ડ? ચૂંટણી પંચે નોટીસ ફટકારી જવાબ માંગ્યો

પટના: બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) યોજવાની છે, બોગસ મતદારોને મતદાર યાદીમાંથી હટાવવા ચૂંટણી પંચે સ્પેશિયાલ ઇન્ટેન્સીવ રિવિઝન(SIR) પ્રક્રિયા હાથ ધરી છે, જેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહા પર બે ચૂંટણી કાર્ડ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો, આ મામલે ચૂંટણી પંચે તેમને નોટીસ ફટકારી છે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો હતો કે વિજય સિંહા પાસે બે ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) નંબર છે, જો કે વિજય સિંહાએ આ આરોપો નકારી કાઢ્યા હતાં, જો કે ચૂંટણી પંચે આ આરોપોને ગંભીરતાથી લઇને નોટિસ પાઠવી છે.
જવાબ રજુ કરવા નોટીસ:
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે બે ચૂંટણી કાર્ડ રાખવાના આરોપસર વિજય સિંહાને નોટિસ પાઠવવામાં આવી છે. તેમની પાસે બે કાર્ડ હોવાના આરોપો અંગે જવાબ રજુ કરવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીએ વિજય સિંહાને જવાબ દાખલ કરવા માટે 14 ઓગસ્ટની ડેડલાઇન આપી છે.
તેજસ્વી યાદવના આરોપ:
બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે X પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે રાજ્યના નાયાબ મુખ્ય પ્રધાન વિજય સિંહા પાસે બાંકીપુર અને લખીસરાય વિધાનસભા મતવિસ્તાર માટે અલગ અલગ ચૂંટણી કાર્ડ છે.
તેજસ્વી યાદવે મતદાર યાદીના ફોટો શેર કર્યા હતાં, જેમાં જણાવવામાં આવ્યું કે લખીસરાય વિધાનસભા મતવિસ્તારમાં વિજય સિંહાનો EPIC ID નંબર IAF3939337 છે, અને પટના જિલ્લાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં વિજય સિંહાનો EPIC ID નંબર AFS085334 છે.
હાલ ચૂંટણી પંચની નિષ્પક્તા અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે તેજસ્વી યાદવે લગાવેલા આરોપો ખુબ જ ગંભીર છે.