બિહાર ચૂંટણી સંગ્રામ: લોક જનશક્તિ પાર્ટીએ પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ…

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. તેવામાં આજે લોક જનશક્તિ પાર્ટીએ આ ચૂંટણી માટે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 14 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામોને જાહેર કર્યાં છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ ખાલીકે જણાવ્યું હતું કે આ યાદી બિહારના વિવિધ જિલ્લાઓ અને વિધાનસભા મતવિસ્તારો માટે તૈયાર કરવામાં આવી છે.
LJPએ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા
વધુમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું કે, આ ઉમેદવારોની પસંદગી પ્રાદેશિક જરૂરિયાતો, સામાજિક સમીકરણો અને પાર્ટી કાર્યકરોની મહેનતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બિહાર ચૂંટણી માટે એનડીએ સાથે જોડાયેલી પાર્ટીઓને કેટલી બેઠકો મળશે તે પહેલા જ નક્કી કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે એનડીએનું સમીકરણ બગડી શકે છે.
બિહાર ચૂંટણીઃ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું તેજસ્વી યાદવનું વચન
લોક જનશક્તિ પાર્ટીએ એક્સ પર પોસ્ટ કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એક્સ પોસ્ટ કરતા પાર્ટીએ લખ્યું કે, એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન, ચિરાગ પાસવાનના માર્ગદર્શન અને સૂચનાઓ અનુસાર બિહાર વિધાનસભા ચૂંટણી-2025 માટે આ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ દરેક ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : બિહાર ચૂંટણી પહેલા યાદવ પરિવારને ઝટકો; કોર્ટે આ કેસમાં લાલુ, રાબડી અને તેજસ્વી વિરુદ્ધ આરોપો ઘડ્યા
એનડીએ ઘટકમાં કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે?
એનડીએના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની વાત કરવામાં આવે તો, બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો છે. જેમાંથી જનતા દળ (જેડીયુ) 101 બેઠકો પર ચૂંટણી લડશે, ભારતીય જનતા પાર્ટી 101 બેઠકો પર ચૂંટણી લડશે, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર, હિંદુસ્તાની આવામ પાર્ટી 6 બેઠકો પર અને રાષ્ટ્રીય લોક મોર્ચો પાર્ટી 6 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડશે. બિહારમાં બે ચરણમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. 6 નવેમ્બરે પહેલા ચરણમાં મતદાન થશે અને 11 નવેમ્બરે બીજા ચરણમાં મતદાન યોજાશે. જ્યારે 14મી નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.