મેક્સિકોમાં મોટો માર્ગ અકસ્માત,ટ્રક પલટી જતાં 10 પ્રવાસીનાં મોત, 25 ઘાયલ

મેક્સિકોમાં રવિવારે વહેલી સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. દક્ષિણ મેક્સિકોમાં એક ટ્રક પલટી જતાં 10 લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મેક્સિકોના ચિયાપાસ રાજ્યની છે.
નેશનલ માઈગ્રેશન ઈન્સ્ટિટ્યૂટ (આઈએનએમ) એ ઘટના બાદ એક નિવેદન બહાર પાડ્યું હતું. INM એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચિયાપાસમાં પિઝિજિયાપન-ટોન્લા હાઈવે પર જે ટ્રક અકસ્માત થયો હતો તેમાં 27 ક્યુબન નાગરિકોને ગુપ્ત રીતે લઈ જવામાં આવી રહ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતનું કારણ ઓવર સ્પીડ છે. ટ્રક સ્પીડમાં હતી, જે દરમિયાન ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી ગઈ હતી.
INMએ જણાવ્યું કે મૃતકોમાં એક સગીર સહિત કુલ 10 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની સારવાર ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે તમામ મૃતકો અન્ય દેશના રહેવાસી હોવાથી મૃતદેહોને તેમના વતન મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.