અમેરિકાના પાકિસ્તાન તરફી નરમ વલણ મુદ્દે મોટો ખુલાસો, ડોનાલ્ડ ટ્રમ્પ અને અસીમ મુનીરની સિક્રેટ ડીલ ચર્ચામાં

નવી દિલ્હી : અમેરિકાના પાકિસ્તાન તરફી નરમ વલણ મુદ્દે મોટો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમેરિકાના પાકિસ્તાની તરફી નરમ વલણ પાછળ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સિક્રેટ ડીલ થઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે
ક્રિપ્ટો કાઉન્સિલ વચ્ચે એક સિક્રેટ ડીલ
એક અખબારના અહેવાલ મુજબ ખાનગી યુએસ ક્રિપ્ટોકરન્સી કંપની અને પાકિસ્તાનની એક મહિના પૂર્વે શરૂ થયેલી ક્રિપ્ટો કાઉન્સિલ વચ્ચે એક સિક્રેટ ડીલ થઇ છે. પાકિસ્તાનમાં આ નવો સોદો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે જોડાયેલો છે. જે હવે તપાસ હેઠળ આવ્યા છે. આ સોદામાં અનેક હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓની સંડોવણી જોવા મળી છે. આ કંપનીનું નામ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ છે. જે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે જોડાયેલી છે.
પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર
આ ફિનટેક કંપની ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન રોકાણો સાથે વ્યવહાર કરે છે.જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્રો એરિક અને ડોનાલ્ડ જુનિયર અને જમાઈ જેરેડ કુશનર સામૂહિક રીતે 60 ટકા હિસ્સો ધરાવે છે. એપ્રિલમાં કંપનીએ પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલે તેની રચનાના થોડા જ દિવસોમાં બાઈનન્સના સ્થાપક ચાંગપેંગ ઝાઓને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. જેથી આ નવી સંસ્થાને વિશ્વસનીયતા મળી શકે. બાઈનન્સ એ વિશ્વનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ છે. તેના લોન્ચ દરમિયાન પાકિસ્તાન કાઉન્સિલે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય ઇસ્લામાબાદને દક્ષિણ એશિયાનું ક્રિપ્ટો કેપિટલ બનાવવાનો છે.
અસીમ મુનીર દ્વારા ટીમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું
આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહત્વપૂર્ણ સોદા પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકાથી એક ઉચ્ચ સ્તરીય ટીમ ઇસ્લામાબાદ પહોંચી હતી. જેનું નેતૃત્વ કંપનીના સ્થાપક ઝાચેરી વિટકોફ કરી રહ્યા હતા. જે ડોનાલ્ડ ટ્રમ્પના લાંબા સમયથી બિઝનેસ પાર્ટનર અને મધ્ય પૂર્વમાં વર્તમાન યુએસ ખાસ દૂત સ્ટીવ વિટકોફના પુત્ર છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા ટીમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું હતું અને બંધ બારણે બેઠક યોજાઈ હતી જેમાં વડા પ્રધાન શાહબાઝ શરીફ અને અસીમ મુનીર બંને હાજર રહ્યા હતા. તેની બાદ આ સોદોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.
બ્લોકચેન ટેકનોલોજીને એકીકૃત કરવાની મંજૂરી
ક્રિપ્ટો કાઉન્સિલ ઓફ પાકિસ્તાન અને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર આ કરાર વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલને પાકિસ્તાનની નાણાકીય સંસ્થાઓમાં બ્લોકચેન ટેકનોલોજીને એકીકૃત કરવાની મંજૂરી આપે છે. આમાં સંપત્તિનું ટોકનાઇઝેશન, વિવિધ પ્રકારના સ્ટેબલકોઇન્સનો વિકાસ અને વિકેન્દ્રિત ફાઇનાન્સ (DeFi)પ્રોજેક્ટ્સ માટે નિયમનકારી સેન્ડબોક્સની સુવિધાનો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, આ સિક્રેટ ડીલ તપાસ હેઠળ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલે એક પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું કે આ સોદા પાછળ કોઈ રાજકીય હેતુ નથી. જોકે, ટ્રમ્પ પરિવાર અને વ્હાઇટ હાઉસે હજુ સુધી આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ ટ્રમ્પના પરિવાર સાથે જોડાયેલી આ કંપની અને પાકિસ્તાન સરકાર સાથે સોદો કરનાર અસીમ મુનીર વચ્ચેના સોદા અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું વલણ બદલાયું
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પૂર્વે અમેરિકાનું પાકિસ્તાન તરફ કડક વલણ હતું. જેમાં પાકિસ્તાને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં નાખ્યું હતું. આનાથી પાકિસ્તાનમાં આતંકવાદી ભંડોળ જતું અટકી ગયું હતું. તેમજ એક સમયે પાકિસ્તાન નાદારીની આરે પહોંચી ગયું હતું. જોકે, ટ્રમ્પના આવ્યા બાદ અમેરિકાની પાકિસ્તાન તરફ કૂણું વલણ જોવા મળ્યું છે.
આ પણ વાંચો….પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારે ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને લઈ શું કહી મોટી વાત?