મીમ્સે તંત્રને ભાન કરાવ્યું: 90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં બનાવવામાં આવેલા એક રેલ ઓવરબ્રિજના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક વહીવટીતંત્ર હાંસીને પાત્ર બન્યું છે. પુલના એક ભાગને 90-ડિગ્રીએ L-શેપ વળાંક આપવામાં (Bhopal 90 degree turn bridge) આવ્યો હતો, દેખીતી રીતે જ બ્રિજની ડિઝાઇનમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાય છે, જેને કારને ગંભીર અકસ્માતો થવાનો ડર છે.
સોશિયલ મીડિયા પર આ રેલ ઓવરબ્રિજની ડિઝાઈન મુદ્દે મીમ્સ વાયરલ થયા હતાં, સાથે સાથે તંત્ર અને સરકાર પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતાં. હવે તંત્રએ ઓવરબ્રિજને ફરીથી ડિઝાઇન કરવાનો નિર્ણય લીધો છે, બ્રિજનો ભાગ ફરીથી બનાવવામાં આવશે, પણ જનતાના કરોડો રૂપિયા બરબાદ થઇ જશે એ નક્કી છે.
રેલ્વે વિભાગે મંજુરી આપી:
નિષ્ણાતોએ બ્રિજની ડીઝાઇનની ટીકા કરી હતી. આ રેલ ઓવરબ્રિજના લગભગ 90-ડિગ્રી L-શેપ વળાંકને કારણે સામેથી આવતું વાહન દેખવું અશક્ય છે, સામાન્ય ગતિએ વળાંક લેવો પણ મુશ્કેલ છે, જેને કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધુ છે. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે રેલ ઓવરબ્રિજને ત્રણ ફૂટ પહોળો કરીને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે, જેને કારણે વધુ ગોળાકાર વળાંક મળશે. અધિકારીઓએ જણાવ્યું છે કે રેલ્વે વિભાગે પુલના વિસ્તરણની મંજૂરી આપી દીધી છે. ડિવાઇડર દૂર કરીને તેને વધુ પહોળો બનાવવામાં આવશે.

648 મીટર લંબાઈ અને 8.5 મીટર પહોળાઈ ધરાવતો બ્રિજ 18 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અભિનવ બરોલિયાએ કહ્યું કે “આ કોઈ વીડિયો ગેમ જેવું લાગે છે, અત્યંત ખતરનાક.” સ્થાનિક લોકોએ પણ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.