Bharat Jodo Nyay yatra: ન્યાય યાત્રા આજે યુપીમાં પ્રવેશ કરશે, અખિલેશ યાદવ યાત્રામાં જોડાઈ શકે છે
લખનઉ: રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay yatra) શુક્રવારે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કરશે. ચંદૌલીના નૌબતપુરથી યાત્રા હોલ્ટ માર્કેટમાં રાત માટે આરામ કરશે. રાહુલ ગાંધી(Rahul Gandhi) વડાપ્રધાન મોદીના મોડલ ગામ ડોમરીમાં રાત્રિ રોકાણ કરશે.
ભારત જોડો ન્યાય યાત્રા ચંદૌલીથી વારાણસી, ભદોહી, પ્રયાગરાજ, પ્રતાપગઢ થઈને 19 ફેબ્રુઆરીએ અમેઠી પહોંચશે. અહીંથી રાયબરેલી થઈને 20મીએ લખનઉ પહોંચશે. તે 22મીએ લખનઉ થઈને ઉન્નાવ અને 21મી ફેબ્રુઆરીએ કાનપુર થઈને ઝાંસી પહોંચશે.
ઉત્તરપ્રદેશમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધી વિવિધ વર્ગના લોકો સાથે વાતચીત કરશે અને ઘણી જગ્યાએ જાહેર સભાઓ પણ યોજાશે. ગુરુવારે રાજ્યના સહ પ્રભારી ધીરજ ગુર્જરે લખનઉમાં યાત્રાના સંચાલનને બાબતે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં સપાના ઘણા નેતાઓ પણ ભાગ લેશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આની જાહેરાત કરી ચૂક્યા છે. ગુરુવારે સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને પલ્લવી પટેલે પણ કહ્યું હતું કે તેઓ યાત્રામાં ભાગ લેશે. પરતું તેઓ ક્યારે સામેલ થશે એ હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.