ટોપ ન્યૂઝનેશનલ

જરા યાદ કરો કુરબાનીઃ આજના દિવસે ભારત માતાના ત્રણ વીર સપૂતો હસતા હસતા ફાંસીએ ચડી ગયા હતા…

Shaheed Diwas: ભારતની આઝાદી માટે હજારો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે, હજારો લોકોએ પોતાના લોહીથી ભારતની ધરાને સિંચી છે એવું કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નથી. ભારત દેશમાં આવા વીરસપૂતો અનેક થયા છે અને દરેકનો ગૌરવશાળી ઇતિહાસ પણ રહ્યો છે. જ્યારે વીર સપૂતોની વાત આવે ત્યારે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને કેવી રીતે ભૂલી શકાય! ભારતના દરેક લોકો ભગતસિંહના બલિદાન વિશે જાણે છે. આજનો દિવસ પણ આ એટલો જ મહત્વનો છે.

આ પણ વાંચો..ગુજરાતના સાણંદ ખાતે 23મી માર્ચે વીર સપૂતોની યાદમાં Viranjali કાર્યક્રમ યોજાશે

હજાર લોકોએ પોતાના લોહીથી ભારતની ધરાને સિંચી છે

આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક, યુવાનોના આદર્શ અને હિંમતના પ્રતીક ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની પુણ્યતિથિ છે. આજના દિવસે (23 માર્ચ 1931) ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી. આ દિવસને ભારતમાં હજુ પણ “શહીદ દિવસ” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે ત્રણ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશ માટે ખુશીથી પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

નાનપણથી જ રાષ્ટ્રીય આંદોલનોથી પ્રભાવિત હતા ભગત સિંહ

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907માં પંજાબના લાયલપુરમાં થયો હતો. લાયલપુર અત્યારે પાકિસ્તાનનો હિસ્સો છે. ભગત સિંહ નાનપણથી જ રાષ્ટ્રીય આંદોલનોથી પ્રભાવિત હતા. પરંતુ તેઓ એવું માનતા હતાં કે, સ્વતંત્રતા માટે માત્ર અહિંસાનો માર્ગ જ નહીં પરંતુ ક્રાતિકારી માર્ગ પણ અનિવાર્ય છે. જેથી તેઓ ક્રાંતિકારી પ્રવૃતિઓમાં માનનારા વ્યક્તિ હતાં. 1929માં તેમણે દિલ્હી વિધાનસભામાં બોમ્બ ફેક્યો હતો તે ઘટના ખૂબ જ ચર્ચિત છે, જો કે તેમાં તેમનો ઇરાદો કોઈની હત્યા કરવાનો નહોતો પરંતુ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો હતો કે, તેઓ ક્રાંતિકારી છે. અત્યારે કરોડો યુવાનો માટે ભગતસિંહ આદર્શ છે.

23મી માર્ચે જ કેમ મનાવાય છે શહીદ દિવસ, જાણો શું છે ઇતિહાસ

અમદાવાદઃ ભારતમાં દર વર્ષે કુલ સાત શહીદ દિવસ મનાવામાં આવે છે. જેમાં દર વર્ષે 23મી માર્ચે ‘શહીદ દિવસ’ મનાવવામાં આવે છે. 23મી માર્ચ, 1931ની મધ્યરાત્રિએ અંગ્રેજોએ ભારતના ત્રણ ક્રાંતિકારી વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે. આ ત્રણેય ક્રાંતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ મનાવવામાં આવે છે.

એક દિવસ પહેલા ફાંસી આપાઈ

બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24મી માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી. પરંતુ 23મી માર્ચ, 1931ના રોજ મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ આ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપી દેવામાં આવી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યાં હતાં

ભારતમાં દર વર્ષે કુલ સાત શહીદ દિવસ

આમ તો શહીદોના સન્માનમાં ભારતમાં દર વર્ષે કુલ સાત શહીદ દિવસ મનાવવામાં આવે છે. તેઓ જુદી જુદી તારીખો અને મહિનાઓ પર પડે છે. આ સાત દિવસ છે જેમાં 30મી જાન્યુઆરી, 23મી માર્ચ, 19મી મે, 21મી ઓક્ટોબર, 17મી નવેમ્બર, 19મી નવેમ્બર અને 24મી નવેમ્બર છે.

બે દિવસ ખાસ

30મી જાન્યુઆરી અને 23મી માર્ચે મનાવવામાં આવતા શહીદ દિવસની વાત કરીએ તો આ બન્ને વચ્ચે તફાવત છે. 30મી જાન્યુઆરી, 1948ના રોજ ભારતને આઝાદી મળ્યાના માત્ર પાંચ મહિના પછી નાથુરામ ગોડસેએ નવી દિલ્હીના બિરલા હાઉસ સંકુલમાં મહાત્મા ગાંધીની છાતી અને પેટમાં ત્રણ ગોળીઓ ધરબી દઇ હત્યા કરી હતી. બીજી તરફ, શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને 23મી માર્ચ 1931ના રોજ યાદ કરવામાં આવે છે, જ્યારે અંગ્રેજોએ તેમને ફાંસી આપી હતી.

આ પણ વાંચો..લોકસભા બેઠકના સીમાંકન મુદ્દે રાજકારણ ગરમાયું, સ્ટાલિને કહ્યું અમારી ઓળખ પર ખતરો ઉભો થશે…

ફાંસીની અપીલ ફગાવી દેવામાં આવી હતી

7મી ઓક્ટોબર 1930ના રોજ કોર્ટે 68 પાનાનો ચુકાદો આપ્યો હતો જેમાં ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. આ સજા ખાસ કરીને બોમ્બ વિસ્ફોટ અને અન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે આપવામાં આવી હતી. ફાંસીની સજા બાદ, શાંતિ જાળવવા અને સંભવિત વિરોધને રોકવા માટે લાહોરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. કલમ 144 હેઠળ, કોઈપણ પ્રકારની સભાઓ અને જાહેર વિરોધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેથી ભગતસિંહ અને તેમના સાથીઓના સમર્થનમાં કોઈ પણ પ્રકારની હિલચાલ શરૂ ન થઈ શકે. આ પછી, ફાંસી પછી અપીલ કરવામાં આવી હતી જેને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી હતી. મદન મોહન માલવિયાથી લઈને મહાત્મા ગાંધી સુધી, બધાએ ફાંસી રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ રહ્યા નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button