‘બંગાળી મહિલાઓ મોંઘી ભેટસોગાદોં, મેકઅપ-કોસ્મેટિક્સની લાલચમાં પડતી નથી.’ ભાજપનો મહુઆને ટોણો
‘કેશ ફોર ક્વેરી’ વિવાદને પગલે મહુઆ મોઇત્રાનું સાંસદપદ જોખમમાં મુકાયું છે. જે પક્ષ સાથે તેઓ જોડાયેલા છે તે ટીએમસી પણ તેમની તરફેણ કરવાને બદલે સલામત અંતર જાળવી રહી છે. એથિક્સ કમિટી મુજબ તો મહુઆનું આચરણ અનૈતિક અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકનારું છે. મહુઆના રાજકીય ભવિષ્ય પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કોંગ્રેસથી લઇને ભાજપ નેતાઓ આ વિવાદમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે…
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મહુઆ મોઇત્રાની ફરિયાદ કરતા જણાવ્યું હતું કે મહુઆએ સંસદમાં પૈસા લઇને સવાલો પૂછ્યા હતા. આ આરોપોની એથિક્સ કમિટી તપાસ કરી રહી છે. એથિક્સ કમિટીએ 500 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં મહુઆ મોઇત્રાને કડક સજા કરવામાં આવે તેવી માગ કરાઇ છે. એથિક્સ કમિટીના ચેરમેન અને ભાજપ સાંસદ વિનોદકુમાર સોનકરની અધ્યક્ષતામાં કમિટીનો ડ્રાફ્ટ રિપોર્ટને ફાઇનલ કરવામાં આવશે.એ પછી તે લોકસભા સચિવાલયમાં સબમિટ કરવામાં આવશે, અને એ વખતે વિપક્ષો ભારે હોબાળો મચાવે તેવી શક્યતાઓ છે.
મહુઆ મોઇત્રા જો કે આ મામલે સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, તેમણે હવે મહિલા કાર્ડ રમતા નિશિકાંત દુબેને સંબોધીને નિવેદન આપ્યું છે કે કદાચ બંગાળી મહિલા સાથે તેમનો પનારો પડ્યો નથી. અમારા માટે બંગાળી મહિલાઓ એટલે દેવીનું સ્વરૂપ, મા કાલીનું સ્વરૂપ છે, પરંતુ તમારા માટે મહિલાઓ ફક્ત એક વસ્તુ સમાન છે. તમે મારા જેવી મહિલાઓનો સ્વીકાર નથી કરી શકતા.
ભાજપની સરકાર એજન્સી સરકાર છે. મેં હમણાં જ જોયું કે નિશિકાંત દુબે મારી સામે સીબીઆઇ તપાસની માગ કરી રહ્યા છે. જો તેઓ એવું જાણવા માગતા હોય કે મારી પાસે કેટલા જોડી જૂતા છે તો તેમણે બિલકુલ મારા ઘરે આવવું જોઇએ. પરંતુ હું જાણવા માગુ છું કે શું એજન્સીઓને એટલી બધી સત્તા છે?
મહુઆએ આગળ કહ્યું, “સીબીઆઇ પાસે અદાણીના 13 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ કરવાનો સમય અને શક્તિ નથી, પરંતુ મારી પાસેના જૂતા શોધવાનો તેમની પાસે સમય છે. તેમની પાસે અદાણી અને અમિત શાહ સાથે જોડાયેલા રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોની તપાસ કરવાનો સમય નથી, હકીકતમાં તો, તમારો કોઇ બંગાળી મહિલા સાથે પનારો નહિ પડ્યો હોય, અમારામાં બંગાળી મહિલાઓ દેવી, શક્તિ સ્વરૂપ હોય છે. મા કાળીનું રૂપ હોય છે.
જ્યારે તમારી માટે મહિલાઓ ફક્ત એક વસ્તુ સમાન છે. હું સુનિશ્ચિત કરીશ કે ભાજપ સરકાર બેઘર થઇ જાય, તેઓ આગામી 4 મહિનાઓ સુધી તૃણમૂલ કોંગ્રેસ અને તેના નેતાઓને બદનામ કરવાના પ્રયાસો કરશે પરંતુ અમે મજબૂત રહીશું.” તેમ મહુઆએ જણાવ્યું હતું.
જો કે તેમના આ ‘બંગાળી મહિલાઓ’ વાળી વાતનો પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે જવાબ આપ્યો છે, સુકાંતે કહ્યું હતું કે બંગાળી મહિલાઓ મહાકાળીનું રૂપ હશે, પરંતુ તમારા જેવું કોઇ બનવા નહિ માગે, બંગાળી મહિલાઓ મોંઘી ભેટસોગાદોં, મેકઅપ-કોસ્મેટિક્સની લાલચમાં આવતી નથી. આવું કહીને ઉલટાનું મહુઆ મોઇત્રા મા કાળીનું અપમાન કરી રહ્યા છે. તેમ સુકાંત મજુમદારે જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળના કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર હુમલો કરતા સમગ્ર વિવાદને મહુઆ મોઇત્રાનું સાંસદપદ રદ કરવાની કવાયત ગણાવ્યો છે. કમિટીએ ઉતાવળે કામ કરીને મહુઆને ગુનેગાર બનાવી દીધી તેમ અધીર રંજને જણાવ્યું.
સમગ્ર મામલે હજુ સુધી મમતા બેનરજીનું કોઇ નિવેદન આવ્યું નથી, પરંતુ ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ આ વિવાદ પર ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે મહુઆ આ લડાઇ તેની જાતે લડી શકે છે.