
જયપુર: કેટલાક મીડિયા અહેવાલો મુજબ, આજે યોજાયેલા મુખ્યપ્રધાન ભજનલાલ શર્માના શપથગ્રહણ સમારોહમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સ્ટેજ પર ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે નીતિન પટેલ સ્ટેજ પર ચડીને તેમના કેમેરા વડે તમામ નેતાઓની વારાફરતી તસવીરો લઇ રહ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ મંચસ્થ મહાનુભાવો સાથે નીતિન પટેલને તસવીરો લેતા જોઇ રહ્યા હતા, એ સમયે કોઇ વાતને લઇને બંને જણા ખડખડાટ હસી પડ્યા હતા. નીતિન પટેલે એ હળવાશભરી પળોને પણ તેમના કેમેરામાં કેદ કરી હતી.

ભજનલાલ શર્માએ આજે જયપુરમાં યોજાયેલા સમારોહમાં શપથ લીધા હતા, આ કાર્યક્રમમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સમારોહમાં આમંત્રિત મહેમાન તરીકે પધાર્યા હતા. યોગાનુયોગે આજે રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકીને લખ્યું હતું કે, રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માને જન્મદિવસની શુભેચ્છા. વર્ષોથી તેઓ પક્ષના સમર્પિત કાર્યકર રહ્યા છે, રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવા માટે તેમણે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. તેઓ આજથી મુખ્યમંત્રી તરીકે તેમની સફર શરૂ કરે છે ત્યારે હું તેમને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે શુભેચ્છા પાઠવું છું.
તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.