નવી દિલ્હી: શનિવારે બ્રિજટાઉનમાં સાઉથ આફ્રિકાને રસાકસીભરી અને રોમાંચક ફાઇનલમાં સાત રનથી પરાસ્ત કરીને બીજી વાર ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લેનાર ભારતીય ક્રિકેટ ટીમ માટે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે રવિવારે કુલ 125 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
ટીમ ઇન્ડિયાની જીત સર્વોત્તમ છે એટલે તેમને ઇનામ પણ સર્વોચ્ચ મળ્યું છે.
જય શાહે એક યાદીમાં જણાવ્યું હતું, ‘રોહિત શર્માની અસાધારણ કૅપ્ટન્સી હેઠળ આ ટીમે કાબિલેદાદ સંકલ્પશક્તિ અને બાજી પલટાવવાની કાબેલિયત સફળતાપૂર્વક બતાવી. ટી-20ના વર્લ્ડ કપમાં અપરાજિત રહીને ટ્રોફી જીતનાર ભારત સૌથી પહેલો દેશ છે. ભારતીય ખેલાડીઓએ વારંવાર ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ સાથે તેમના ટીકાકારોનો સામનો કરવાની સાથે તેમને ચૂપ પણ કરી દીધા છે. ટીમ ઇન્ડિયાની આ સફર ખૂબ પ્રેરણાત્મક રહી અને તેમણે મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવ્યું છે.’
ચૅમ્પિયન ભારતીય ટીમને શનિવારે આઇસીસી તરફથી 20.42 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું. હવે બીસીસીઆઇ તરફથી ટીમ ઇન્ડિયા માટે 125 કરોડનું ખાસ ઇનામ જાહેર કરાયું છે.
આ પણ વાંચો : રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ જીતનારો ઑલ્ડેસ્ટ કૅપ્ટન
જય શાહે આ ઇનામ જાહેર કરવા સંબંધમાં સોશિયલ મીડિયામાં જણાવ્યું, ‘આઇસીસી વર્લ્ડ કપ-2024ની ટ્રોફી જીતવા બદલ હું ટીમ ઇન્ડિયા માટે કુલ 125 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં ખુશી અનુભવી રહ્યો છું. આ ટીમે આખી ટૂર્નામેન્ટમાં અસાધારણ ટૅલન્ટ, સંકલ્પશક્તિ અને ખેલદિલી બતાવી. તમામ ખેલાડીઓને, કોચિંગ સ્ટાફના મેમ્બર્સને અને સપોર્ટ સ્ટાફને અભિનંદન. આ ટીમે આપણને બધાને નિષ્ઠા, અથાક મહેનત અને જોશ-જુસ્સાથી મોટું ગૌરવ અપાવ્યું છે. રોહિત શર્માના સુકાનમાં અને વિરાટ કોહલી તેમ જ બુમરાહ તથા અન્યોની સહાયક ભૂમિકામાં આપણી ટીમે 140 કરોડ ભારતીયોનું સપનું અને આકાંક્ષાને સાકાર કર્યા છે.’