રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ જીતનારો ઑલ્ડેસ્ટ કૅપ્ટન
વિરાટે સૂર્યકુમારનો વિક્રમ ઓળંગ્યો: ભારત અજેય રહીને ટી-20 વર્લ્ડ કપ જીતનારો પ્રથમ દેશ
બ્રિજટાઉન: ભારતે શનિવારે ટી-20 વર્લ્ડ કપ બીજી વાર જીતીને વેસ્ટ ઇન્ડિઝ તથા ઇંગ્લૅન્ડની બરાબરી કરી હતી. ટીમ ઇન્ડિયાના કરિશ્માનું આ એક ઉદાહરણ છે. બીજા ઘણા નવા રેકૉર્ડ એ દિવસે તૂટ્યા અને બન્યા. તમામમાં સૌથી ધ્યાનાકર્ષક વિક્રમ કૅપ્ટન રોહિત શર્માનો છે. તે સૌથી મોટી ઉંમરે ટી-20 વર્લ્ડ કપ જીતનારો કૅપ્ટન બન્યો છે.
જસપ્રીત બુમરાહને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અને વિરાટ કોહલીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો અને તેઓ બન્ને પણ રેકૉર્ડ-બુકમાં આવી ગયા છે.
વિક્રમોની વણઝાર પર કરીએ એક નજર…
(1) રોહિત શર્માની શનિવારે 37 વર્ષ, 60 દિવસની ઉંમર હતી. તે ટી-20 વર્લ્ડ કપ જીતનારો સૌથી મોટી ઉંમરનો કૅપ્ટન બન્યો છે. આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલ જીતનારો તે વિશ્ર્વનો બીજા નંબરનો ઑલ્ડેસ્ટ સુકાની છે. 1992માં પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ જીત્યું ત્યારે કૅપ્ટન ઇમરાન ખાનની ઉંમર 39 વર્ષ, 172 દિવસની હતી.
(2) 8-0 રોહિતનો ટી-20 ફાઇનલ્સમાં કૅપ્ટન તરીકેનો જીત-હારનો રેશિયો છે. તેના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સ પાંચ અને ભારતીય ટીમ એક ટી-20 ટાઇટલ જીત્યું છે. રોહિતથી માત્ર એમએસ ધોની આગળ છે. કૅપ્ટન ધોનીનો ટી-20 ફાઇનલ્સમાં 9-6નો જીત-હારનો રેશિયો છે. તેના નવ ટાઇટલ્સમાં ટીમ ઇન્ડિયાના 2007ની સાલના એક અને ચેન્નઈ સુપર કિંગ્સના પાંચ ટાઇટલ સહિતના કુલ નવ ટાઇટલનો સમાવેશ છે.
(3) ટી-20 વર્લ્ડ કપની બે ફાઇનલ જીતનારા આઠ ખેલાડીમાં રોહિતનો ઉમેરો થયો છે. એકમાત્ર રોહિતે 2007 તથા 2024ના વર્લ્ડ કપનું વિજેતાપદ માણ્યું છે. અન્ય તમામ આઠ ખેલાડી વેસ્ટ ઇન્ડિઝના છે. તેઓ 2012 ઉપરાંત 2016નો વર્લ્ડ કપ જીત્યા હતા: ડૅરેન સૅમી, ક્રિસ ગેઇલ, ડ્વેઇન બ્રાવો, સૅમ્યુલ બદરી, જૉન્સન ચાર્લ્સ, ડેનિશ રામદીન, આન્દ્રે રસેલ અને માર્લન સૅમ્યુલ્સ.
(4) ભારત ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં એક પણ મૅચ હાર્યા વગર ટ્રોફી જીતનારો વિશ્ર્વનો પ્રથમ દેશ છે.
આ પણ વાંચો : જે લોકો મારા વિશે એક ટકો પણ નહોતા જાણતા તેમણે…: વર્લ્ડ કપ જીત્યા પછી હાર્દિકે મન મૂકીને બોલી દીધું
(5) ભારત ટી-20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ આઠ મૅચ જીતનારો દેશ છે. સાઉથ આફ્રિકા પણ એની સાથે આઠ વિજય સાથે મોખરે છે.
(6) ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સતત આઠ વિજય મેળવનાર મોખરાના બે દેશમાં પણ ભારત અને સાઉથ આફ્રિકાનો સમાવેશ છે.
(7) ટી-20માં જીતનો સૌથી લાંબો સિલસિલો ભારતના નામે: નવેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં 12 જીત, ડિસેમ્બર 2023થી જૂન 2024 સુધીમાં 12 જીત.
(8) રોહિત શર્મા ટી-20માં 50 મૅચ જીતનાર વિશ્ર્વનો પ્રથમ કૅપ્ટન બન્યો છે.
(9) ટી-20 વર્લ્ડ કપની કુલ નવ ફાઇનલમાંથી આઠમાં ટૉસ જીતનારી ટીમનો વિજય થયો અને ભારતનું એમાં બે વાર નામ છે. એકમાત્ર શ્રીલંકાએ 2009ની ફાઇનલમાં ટૉસ જીત્યા પછી પાકિસ્તાન સામે હાર જોવી પડી હતી.
(10) ભારતનો 176/7નો સ્કોર ટી-20 વર્લ્ડ કપની તમામ ફાઇનલમાં હાઇએસ્ટ ટીમ-ટોટલ છે.
(11) ટી-20 વર્લ્ડ કપના પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટના હવે જસપ્રીત બુમરાહનો ઉમેરો થયો છે. અગાઉના વિજેતાઓમાં શાહિદ આફ્રિદી, તિલકરત્ને દિલશાન, કેવિન પીટરસન, શેન વૉટ્સન, વિરાટ કોહલી (બે વખત), ડેવિડ વૉર્નર, સૅમ કરૅન સામેલ છે.
(12) તમામ ત્રણ વ્હાઇટ-બૉલ ઇવેન્ટની ફાઇનલમાં (વન-ડે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ, ચૅમ્પિયન્સ ટ્રોફી) વિજેતા ટીમ વતી રમી ચૂકેલાઓમાં ધોની પછી હવે વિરાટ બીજો ખેલાડી છે.
(13) ટી-20 વર્લ્ડ કપની એક સીઝનમાં શ્રેષ્ઠ ઇકોનોમી-રેટ: બુમરાહ 4.17 (2024નો વર્લ્ડ કપ), સુનીલ નારાયણ 4.60 (2014નો વર્લ્ડ કપ), વનિન્દુ હસરંગા (5.20 (2021નો વર્લ્ડ કપ).
આ પણ વાંચો : લો બોલો, આ ત્રીજા ભારતીય દિગ્ગજે પણ ટી-20 ઇન્ટરનૅશનલ્સને ગુડ બાય કરી દીધી!
(14) ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ હવે કોહલીના નામે છે. તેણે સૂર્યકુમારનો રેકૉર્ડ તોડ્યો છે: વિરાટ કોહલી (125 મૅચમાં 16 અવૉર્ડ), સૂર્યકૂમાર (68 મૅચમાં 15 અવૉર્ડ), રોહિત શર્મા (159 મૅચમાં 14 અવૉર્ડ), સિકંદર રઝા (86 મૅચમાં 14 અવૉર્ડ), મોહમ્મદ નબી (129 મૅચમાં 14 અવૉર્ડ) અને વીરનદીપ સિંહ (78 મૅચમાં 14 અવૉર્ડ).
(15) ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ્સના મૅન ઑફ ધ મૅચ પુરસ્કાર વિજેતાઓ: ઇરફાન પઠાણ (2007), આફ્રિદી (2009), કિઝવેટર (2010), સૅમ્યુલ્સ (2012), સંગકારા (2014), સૅમ્યુલ્સ (2016), મિચલ માર્શ (2021), સૅમ કરૅન (2022), વિરાટ કોહલી (2024).
(16) ક્લાસેને શનિવારે 23 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. મેન્સની કોઈ પણ વર્લ્ડ કપ ફાઇનલમાં આ ફાસ્ટેસ્ટ છે. તેણે મિચલ માર્શ (2021માં ન્યૂ ઝીલૅન્ડ સામે 31 બૉલ)નો રેકૉર્ડ તોડ્યો હતો.