નેશનલ

છત્તીસગઢમાં ઈડીની ટીમ પર હુમલોઃ પૂર્વ સીએમના ઘરની બહાર નીકળતા સમર્થકોએ કર્યો પથ્થરમારો

રાયપુરઃ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસ નેતા ભૂપેશ બધેલના પુત્ર વિરુદ્ધ દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આજે તેમના પરિસરમાં દરોડા પાડ્યા હતા.

જોકે, એ વખતે છત્તીસગઢના ભિલાઈ શહેરમાં ઈડીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે સમર્થકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેડ પછી ટીમ બહાર નીકળી ત્યારે લોકોએ તેના પર હુમલો કર્યો હતો.

ઈડીના અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં તપાસ કરનારી એજન્સી એફઆઈઆર દાખલ કરી શકે છે. ઈડીની ટીમ પર ઈંટ વડે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈને ઈજા પહોંચી નહોતી. કાર પર પથ્થરમારો કરનારા શખસને પકડી લેવામાં આવ્યો હતો. ઈડીના વાહન પર પથ્થરમારોના વીડિયો પણ વાઈરલ થયો હતો.

આપણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી, જાણો વિગત

સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેશ બધેલના પુત્ર ચૈતન્ય બધેલના ભિલાઇ (દુર્ગ જિલ્લો) સ્થિત પરિસરો, ચૈતન્ય બધેલના નજીકના સહયોગી લક્ષ્મી નારાયણ બંસલ ઉર્ફે પપ્પુ બંસલ અને કેટલાક અન્ય લોકોના પરિસરો પર મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ(પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ચૈતન્ય બધેલ તેના પિતા સાથે ભિલાઇમાં રહે છે અને તેથી આ પરિસરને પણ આવરી લેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે તે(ચૈતન્ય બધેલ) દારૂ કૌભાંડની આવકનો પ્રાપ્તકર્તા હોવાની શંકા છે.

રાજ્યમાં લગભગ ૧૪-૧૫ પરિસરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ અગાઉ કહ્યું હતું કે છત્તીસગઢ દારૂ કૌભાંડથી રાજ્યની તિજોરીને ભારે નુકસાન થયું છે. આ અપરાધની આવકથી ૨૧૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ દારૂ સિન્ડિકેટના લાભાર્થીઓના ખિસ્સામાં ગઇ છે.

આપણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મળી રાહત, પણ આ શરતે

ઇડીએ આ કેસમાં જાન્યુઆરીમાં ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા કવાસી લખમા ઉપરાંત રાયપુરના મેયર અને કોંગ્રેસ નેતા એજાઝ ઢેબરના મોટા ભાઇ અનવર ઢેબર, ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અનિલ તુટેજા, ભારતીય ટેલિકોમ સેવા(આઇટીએસ) અધિકારી અરુણપતિ ત્રિપાઠી અને કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી.

ઇડી અનુસાર રાજ્યમાં કથિત દારૂ કૌભાંડ ૨૦૧૯ અને ૨૦૨૨ની વચ્ચે થયું હતું, જ્યારે છત્તીસગઢમાં સીએમ બધેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર હતી. આ તપાસ હેઠળ અત્યાર સુધીમાં એજન્સી દ્વારા વિવિધ આરોપીઓની લગભગ રૂા. ૨૦૫ કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button