આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો ભાજપ કાર્યકરતાઓ પર આરોપ

નવી દિલ્હી: આસામના સોનિતપુર જિલ્લાના જામુગુરીઘાટ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (bharat jodo nyay yatra attack assam) અને પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશની કાર પર કથિત રીતે ભાજપ સમર્થકોએ હુમલો કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીના આગમન પહેલા ભાજપના કાર્યકર્તાઓ તેમના રુટ પર માર્ચ કરી રહ્યા હતા, જ્યારે ભારત જોડો ન્યાય યાત્રાના કેટલાક વાહનો તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના સમર્થકોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી અને ભારત જોડો ન્યાય યાત્રાના કેમેરા ક્રૂ પર પણ હુમલો કર્યો હતો.
જયરામ રમેશે કહ્યું કે થોડીવાર પહેલા સોનિતપુરના જુમુગુરીઘાટ ખાતે બેકાબૂ ભાજપના કાર્યકરોના ટોળાએ મારી કાર પર હુમલો કર્યો હતો અને વિન્ડશિલ્ડ પરના ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટીકરો પણ ફાડી નાખ્યા હતા. તેઓએ પાણી ફેંક્યું અને ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, પરંતુ અમે અમારું સંયમ જાળવી રાખ્યું. અને ઝડપથી આગળ વધવા લાગ્યા.
આસામના સીએમ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે બેશક આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા જ આ બધું કરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ડરવાના નથી, અમે લડતા રહીશું.
આ દરમ્યાન, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ X પર ટ્વીટ કરીને પોલીસને આ કેસ નોંધવા અને આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આસામમાં ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે. જે બિસવંત જિલ્લાથી સોનિતપુર થઈને નાગાંવ જઈ રહી છે. આ કથિત હુમલો રાહુલ ગાંધી નાગાંવ જિલ્લાના કાલિયાબોરમાં રેલીને સંબોધિત કરે તે પહેલા થયો હતો.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના કોમ્યુનિકેશન કોડીનેટર મહિમા સિંહે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને કેટલાક મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે તેમના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. તેઓએ અમારા માટે ખૂબ જ ડરામણી પરિસ્થિતિનું નિર્માણ કર્યું, તેઓએ એક વ્લોગરનો કૅમેરો પાછો આપવાનો ઇનકાર કરી દીધી હતો. તેમણે કહ્યું કે જયરામ રમેશ અને અન્ય કેટલાક લોકોને લઈ જતી કાર જમુગુરીઘાટ નજીક યાત્રામાં સામેલ થવા જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે યાત્રાને કવર કરી રહેલા વ્લોગરનો કેમેરા, બેજ અને અન્ય સાધનો છીનવી લેવામાં આવ્યા હતા. પાર્ટીની સોશિયલ મીડિયા ટીમના સભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અમે પોલીસને જાણ કરી અને અધિક પોલીસ અધિક્ષક હાલ ઘટનાસ્થળે છે.
AICC નેતાએ કહ્યું કે અમે પોલીસને જાણ કરી છે. અધિક પોલીસ અધિક્ષક હાલ સ્થળ પર છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જયરામ રમેશની કારમાંથી કોંગ્રેસ જોડો ન્યાય યાત્રાના સ્ટીકરો ફાડી નાખવામાં આવ્યા હતા અને હુમલાખોરોએ કાર પર ભાજપનો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કારનો પાછળનો કાચ લગભગ તૂટી ગયો હતો.