વિધાનસભાની ચૂંટણી: અમે સૌ સાથે છીએ અને સાથે રહીશું, રાહુલ ગાંધીએ શા માટે કરી સ્પષ્ટતા?
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ધીમે ધીમે રાજ્યમાં કોંગ્રેસનું ચિત્ર બદલાતું જાય છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીની ચૂંટણી રેલીઓ પહેલા પાર્ટીના ટોચના નેતાઓમાં એકતા જોવા મળી હતી. જ્યારે જયપુર એરપોર્ટ પર મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ બંને સાથે જોવા મળ્યા, ત્યારે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ માત્ર સાથે જ જોવા મળતા નથી પણ બધા એક સાથે છે અને સાથે જ રહેશે. કોંગ્રેસ પક્ષ અહીં પણ સફાયો કરીને ચૂંટણી જીતશે. આમ કહીને રાહુલ ગાંધીએ વિરોધીઓને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે પાર્ટીમાં બધા એક છે.
રાજસ્થાનમાં ગુરુવારે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તારાનગર (ચુરુ), નોહર (હનુમાનગઢ) અને સાદુલશહર (શ્રીગંગાનગર)માં ત્રણ જાહેરસભાઓને સંબોધિત કરશે. જયપુર એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા સાથે જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓ દ્વારા રાહુલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તો રાહુલે ત્રણેય નેતાઓને પણ ખૂબ જ ઉત્સાહ સાથે મળ્યા હતા. લાંબા સમય પછી કોંગ્રેસની એકતાની આ તસવીર જોઈને પત્રકારોએ રાહુલને સવાલ કર્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાઓ માત્ર એક સાથે જોવા મળતા નથી, તેઓ સાથે છે અને સાથે રહેશે. કોંગ્રેસ પક્ષ અહીં સફાયો કરીને ચૂંટણી જીતશે.
રાહુલ ગાંધી રાજસ્થાનમાં ત્રણ-ચાર દિવસ સતત જનસભાને સંબોધશે. તેઓ 16, 17, 19 અને 22 નવેમ્બરે રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ જાહેર સભાઓ અને રોડ શો કરશે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં 19મી નવેમ્બરે રોડ શોનું પણ પ્રસ્તાવ છે. આ સિવાય બાડમેર, પિલાની, ઉદયપુર શહેર, મુંડાવર અને અલવર ગ્રામીણમાં પણ જાહેર સભાઓ પ્રસ્તાવિત છે.