આપણા દેશના હિન્દી હાર્ટલેન્ડમાં સમાવિષ્ટ એવા 2 મહત્વના રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે આજે એક અત્યંત મહત્વનો દિવસ છે. બંને રાજ્યોની પ્રજાએ આગામી પાંચ વર્ષ માટે રાજ્યમાં કયા પક્ષની સરકાર રચાશે તેનો આજે નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે સાંજ સુધી થયેલા મતદાનની વાત કરીએ તો 71.26 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે છત્તીસગઢમાં પણ બીજા તબક્કાની 70 બેઠકો પર 68.15 ટકા મતદાન નોંધાયું છે.
જો કે આ ચૂંટણીજંગ લોહિયાળ રહ્યો, બંને રાજ્યોમાં છૂટા છવાયા હિંસાના બનાવો બન્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડમાં હિંસાના બનાવો બન્યા જ્યારે છત્તીસગઢના રાયપુર તથા બસ્તર સહિતના નક્સલી વિસ્તારોમાં હિંસક અથડામણ જોવા મળી હતી. એક ITBP જવાને નક્સલ પ્રભાવિત બસ્તર ક્ષેત્રની નજીક આવેલા ગરિયાબંદ જિલ્લા પાસે થયેલા IED વિસ્ફોટમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો બીજી બાજુ મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં દિમાની વિધાનસભા મતવિસ્તારમાં શુક્રવારે સવારે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
મુરૈનાની દિમની વિધાનસભા બેઠક પર કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ઉમેદવાર છે. અહીં ફાયરિંગની ઘટના બાદ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ પહેલા મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગઈકાલે રાત્રે જોરદાર હંગામો થયો. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર વિક્રાંત ભૂરિયાના વાહન પર પથ્થરમારો કરાયો હતો. નર્મદાપુરમના માખનનગરમાં સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર તોડફોડ અને હિંસાના આરોપો લગાવ્યા છે. હિંસાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયા હતા.
છત્તીસગઢમાં આજે થયેલું મતદાન મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ સહિત આઠ રાજ્ય પ્રધાનો અને સંસદના ચાર સભ્યોનું રાજકીય ભાવિ નક્કી કરશે. છત્તીસગઢમાં 20 બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી 7 નવેમ્બરે યોજાઈ હતી, જેમાં 78 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં મુખ્યત્વે સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, બિલાસપુર વિસ્તારની કેટલીક બેઠકો પર અન્ય પક્ષો પણ મેદાનમાં આવ્યા છે. જેમાં છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ અજીત જોગીની પાર્ટી અને બીએસપીનો પણ પ્રભાવ છે.
મધ્યપ્રદેશમાં શાસક પક્ષ દ્વારા સત્તા યથાવત રાખવા કલ્યાણકારી યોજનાઓ અને મહિલાઓના ખાતામાં રોકડ ટ્રાન્સફરના વારંવાર દાવા કરવામાં આવ્યા હતા. સત્તાધારી લોકોએ પ્રજાને લાંબાગાળે આર્થિક ઉન્નતિ અને વિકાસની દ્રષ્ટિ આધારિત સંકલ્પો રજૂ કરવાને બદલે મતદારોને ત્વરિત લાભો આપીને ખુશ કરવા દોડ લગાવી હતી. વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં ભાજપ 109 બેઠકોમાં સમેટાઇ ગયું અને ચૂંટણી હાર્યું હતું, કોંગ્રેસ 230માંથી 116 બેઠકો પર જીત મેળવીને સત્તા પર આવી હતી પરંતુ ફક્ત 15 મહિના બાદ ભાજપે રાજકીય તોડફોડ કરીને સરકાર બનાવી હતી. ખાસ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાનીમાં ગ્વાલિયર-ચંબલના 22 કોંગ્રેસ નેતાઓ ભાજપની છાવણીમાં જઈને બેસી ગયા અને ભાજપને ફરીથી સત્તામાં લાવ્યા હતા.