વિધાનસભા ચૂંટણીઃ આ ક્રિકેટરને કોંગ્રેસે આપી ટિકિટ
અદિલાબાદઃ તેલંગણા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ ટોચના પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણી માટે 45 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં જાણીતા ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહોમ્મદ અઝહરુદ્દીનને ટિકિટ આપવામાં આવી હતી.
મહોમ્મદ અઝહરુદ્દીનને જુબલી હિલ્સ અને ભૂતપૂર્વ લોકસભાના સાંસદ મધુ ગૌડને લાલ બહાદુરનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીની યાદી અનુસાર પોન્નમ પ્રભાકરને હુસનાબાદથી, કંડી શ્રીનિવાસન રેડ્ડીને અદિલાબાદથી, તુમલા નાગેશ્વર રાવને ખમ્મમથી, કે. રાજગોપાલ રેડ્ડીને મુનુગોડેથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
એની સાથે કોઁગ્રેસ પાર્ટીએ 30મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 100 ઉમેદવારની જાહેરાત કરી છે. પંદરમી ઓક્ટોબરે કોંગ્રેસે પંચાવન ઉમેદવારની યાદી બહાર પાડી હતી.
સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજગોપાલ રેડ્ડી ભાજપમાંથી કોંગ્રેસમાં પાછા ફર્યા છે, જેઓ અગાઉ એક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. રાજ્યમાં 119 વિધાનસભાના વિસ્તાર છે. 30મી નવેમ્બરે મતદાન કરવામાં આવશે, જ્યારે ત્રીજી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ આવશે.