મધ્યપ્રદેશની ભોજશાળામાં ASI નો સર્વે ચાલુ રહેશે: સુપ્રીમ કોર્ટ, જાણો શુ છે સમગ્ર મામલો?
ઈન્દોર: મધ્યપ્રદેશની ભોજશાળામાં (Bhojshala, MP) સર્વેના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ASI (Archeological Survey of India) સર્વે ચાલુ રહેશે. કોર્ટે સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કહ્યું છે કે SCની પરવાનગી વિના ASI રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે કોઈ ખોદકામ વગેરે ન હોવું જોઈએ જે ધાર્મિક ચરિત્ર બદલી શકે. SCએ મુસ્લિમ પક્ષની અરજી પર નોટિસ જાહેર કરી છે અને હિન્દુ પક્ષ પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં ASI સાયન્ટિફિક સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
આપણ વાંચો: પપ્પા વિરુદ્ધ બાળકની કાનભંભેરણી કરવી એ ક્રૂરતા અને છૂટાછેડા માટેનું કારણ: મધ્યપ્રદેશ હાઈકોર્ટ
હાઇકોર્ટે ASIને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરી છે. હિંદુ સંગઠનો અનુસાર, ધાર સ્થિત કમાલ મૌલાના મસ્જિદ વાસ્તવમાં મા સરસ્વતી મંદિર ભોજનશાળા છે, જેનું નિર્માણ રાજા ભોજે 1034માં સંસ્કૃતના અભ્યાસ માટે કરાવ્યું હતું, પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે 11 માર્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ASIને 6 સપ્તાહની અંદર ભોજશાળા સંકુલનો ‘વૈજ્ઞાનિક સર્વેક્ષણ’ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી એએસઆઈએ 22 માર્ચથી આ સંકુલનો સર્વે શરૂ કર્યો હતો. આ સંકુલ એક મધ્યયુગીન સ્મારક છે જેને હિંદુ સમુદાય વાગદેવી (સરસ્વતી)નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ કહે છે. 7 એપ્રિલ, 2003ના રોજ જારી કરાયેલા ASI આદેશ દ્વારા નક્કી કરાયેલી વ્યવસ્થા મુજબ, હિંદુઓને દર મંગળવારે ભોજશાળામાં નમાજ પઢવાની છૂટ છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે આ સ્થળે નમાઝ અદા કરવાની છૂટ છે.