નેશનલ

વૈશ્ર્વિક નેતાઓએ ભારતની પ્રશંસા કરતા પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું…

ઈસ્લામાબાદ: આજે ભારત જી-20 સમિટના સફળ આયોજનના કારણે વિશ્ર્વ પટલ પર છવાઇ ગયું છે. જી-20માં આવનારા તમામ દેશોના નેતાઓ ભારતના બે મોંઢે વખાણ કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાન આ વખાણને પચાવી શક્યું નથી. તેથી જ તે અત્યારે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યું છે. પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો આલાપ વગાડવાનું ચાલુ કર્યું છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને ભારતને તેની જવાબદારીઓનું સન્માન કરવાની અપીલ કરી છે. જો કે પાકિસ્તાને પીઓકેની વર્તમાન પરિસ્થિતિ અને વિરોધ પ્રદર્શન પર એક પણ શબ્દ કહ્યો નહોતો.

પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોમાં અત્યારે પાકિસ્તાન વિરુદ્ધ ખૂબજ આક્રોશ છે. આ વિસ્તારના લોકો પહેલેથી જ પાકિસ્તાનની ઉપેક્ષા સહન કરી રહ્યા હતા. પાકિસ્તાને વીજળીના ભાવમાં ધરખમ વધારો કરીને આ વિસ્તારના લોકોને લૂંટવાનું કામ કર્યું છે. ત્યારે અહીના લોકોએ જાહેરમાં વીજળીના બીલ સળગાવીને સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો ભારતીય ધ્વજ ફરકાવે છે. અહી રહેતા શિયા મુસ્લિમો બહુમતી સુન્ની સમુદાયના અત્યાચારોથી પરેશાન છે. ઘણી મોટી રેલીઓ યોજીને તેમણે પોતાને ભારત સાથે જોડવા માટે અવાજ ઉઠાવ્યો છે.

તેમ છતાં પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે ભારતે જમ્મુ-કાશ્મીર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. જ્યારે સત્ય એ છે કે પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વભરના દેશો દ્વારા માન્ય છે. તેમ છતાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીર વિશે બફાટ કરીને G20માં ભાગ લેવા માટે ભારત આવતા મહેમાનોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાને પત્ર લખીને G20ના સભ્ય દેશો અને સંગઠનોને ભારત વિરુદ્ધ ભડકાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આ પત્રમાં પાકિસ્તાને ભારત પર અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ એસેમ્બલી અને સ્વતંત્ર મીડિયા અને નાગરિક સમાજ જૂથો પર ક્રેકડાઉન લાદવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને કહ્યું કે ભારત G-20 સમિટનું આયોજન કરે છે પરંતું તે માનવતાવાદી કાયદાઓ હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરતો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button