સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં બિભવ કુમારને મળ્યા જામીન
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને સોમવારે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા હતા. તેમની જામીન અરજીને અગાઉ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
જસ્ટિસ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભુયાનની બેંચ કુમારની જામીનની અરજી પર સુનાવણી કરી રહી હતી અને આ કેસમાં તેની ધરપકડને પણ પડકારતી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ભૂયાને નોંધ્યું હતું કે બિભવ કુમાર 100 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
સુનાવણી દરમિયાન જજે જણાવ્યું હતું કે તે જામીન માટેનો કેસ છે, જેનો વિરોધ ન કરવો જોઈએ. આવા કિસ્સામાં તમે કોઈ વ્યક્તિને જેલમાં ન રાખી શકો.” જોકે, બિભવને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો મૂકી છે, જેનું પાલન બિભવ અને આમ આદમી પાર્ટીના નેતાએ કરવાનું રહેશે.
આ પણ વાંચો: સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટના ચુકાદાથી વિભવ કુમારની મુશ્કેલીમાં વધારો
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બિભવ કુમાર સીએમ ઓફિસ અને તેમના નિવાસ સ્થાને નહીં જાય. તેઓ આ કેસ પર કોઇ ટિપ્પણી કરશે નહીં. તેમને કોઈ સરકારી પદ આપવામાં આવશે નહીં. આમ આદમી પાર્ટી પણ આ કેસની યોગ્યતા પર ટિપ્પણી કરશે નહીં.
દિલ્હી પોલીસે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલની ફરિયાદ પર 16 મેના રોજ એફઆઇઆર નોંધી હતી અને 18 મેના રોજ કેજરીવાલના ઘરેથી કુમારની ધરપકડ કરી હતી. તેમણે સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કર્યો હતો.
માલીવાલે આરોપ મૂક્યો હતો કે જ્યારે તે 13 મેના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાનને તેમના નિવાસ સ્થાને મળવા ગઇ, ત્યારે કુમાર બિભવે કોઈપણ ઉશ્કેરણી વિના તેમને 7-8 વાર થપ્પડ મારી, હુમલો કર્યો, છાતી અને કમર પર લાત મારી હતી અને જાણીજોઈને તેમનું શર્ટ ખેંચ્યું હતું.