અયોધ્યામાં 25 કરોડના રામ લલ્લાની મૂર્તિનું આગમન, કોણે કર્યું દાન જાણો?

અયોધ્યા: ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે 2024માં રામ લલ્લાના ભવ્ય મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ભક્તો દ્વારા જુદી જુદી ભેટ અને દાન આપવામાં આવી રહ્યું છે. જોકે, તાજેતરમાં રામ મંદિર ખાતે એક અનોખું અને ઐતિહાસિક દાન આપવામાં આવ્યું છે.
રામ મંદિરને મળ્યું 25 કરોડની કિંમતનું દાન
અયોધ્યામાં રામલલ્લા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિનું એક અવિસ્મરણીય ઉદાહરણ સામે આવ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કર્ણાટકના એક અનામી રામભક્તે ભગવાન શ્રીરામની અદભૂત સુવર્ણ પ્રતિમા અર્પણ કરી છે. કર્ણાટકના એક રામભક્તે અંદાજે રૂ. 25 કરોડની કિંમતની હીરાજડિત સુવર્ણ પ્રતિમા રામ મંદિરને દાનમાં આપી છે. આ પ્રતિમાને ખાસ સિક્યુરિટી શિલ્ડમાં અયોધ્યા લાવવામાં આવી છે. આ પ્રતિમાને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે.
કર્ણાટકના અનામી રામભક્તે દેશના ખ્યાતનામ શિલ્પીઓ પાસેથી રામ લલ્લાની અદ્ભૂત કલાકૃતિ તૈયાર કરાવી છે. રામ લલ્લાની આ પ્રતિમાનું નકશીકામ અદ્ભુત છે. આ પ્રતિમાને સંપૂર્ણપણે શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવી છે. આ સિવાય તેમાં અત્યંત કિંમતી હીરાનું જડતર કરવામાં આવ્યું છે. જે રામ લલ્લાની શોભામાં વધારો કરે છે.
કળિયુગમાં ભક્તિનું સર્વોત્તમ ઉદાહરણ
રામ મંદિર ખાતે આજે મંદિર પ્રશાસન અને સંત સમાજે વિધિવત મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે રામ લલ્લાની હીરાજડિત સુવર્ણ પ્રતિમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દાતાએ પોતાની ઓળખ છૂપી રાખીને સંપૂર્ણ નિઃસ્વાર્થભાવે આ દાન અર્પણ કર્યું છે. અયોધ્યાના સંતોએ આ દાનને કલિયુગમાં ભક્તિનું સર્વોત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. દાતાના મતે આ પ્રતિમા તેમની વર્ષોની સાધના અને રામભક્તિનું પ્રતીક છે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં 5 વર્ષના બાળ રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે, જે 51 ઈંચ ઊંચી છે. આ પ્રતિમા પણ કર્ણાટકના મૈસૂરના રહેવાસી અરૂણ યોગીરાજે બનાવી છે.
આપણ વાંચો: ગુજરાતમાં ક્યાં નોંધાયું સૌથી ઓછું તાપમાન? જાણો મહારાષ્ટ્ર સહિત દેશમાં કેવું રહેશે હવામાન



